પંચમહાલઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. આ પરિસ્થિતિને ડામવા માટે પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ તકે નિયમોનું ઉલ્લંઘન કરનારાને પોલીસ ઝડપી પાડવા માટે ત્રીજી આંખ એટલે કે, ડ્રોન કેમેરાની મદદ લેશે.
ગોધરા શહેરમાં A-ડિવિઝન અને B- ડિવિઝન પોલીસ દ્વારા ડ્રોન કેમેરા વડે સર્વેલન્સ ચાલુ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અલગ અલગ બે કેમેરા વડે સતત લોકો પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગોધરા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ડ્રોન કેમેરાના સર્વેલન્સ દ્વારા 7 જેટલા ઈસમોને ઝડપી પાડયાં હતા અને તેઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.