પંચમહાલ : કાલોલ તાલુકાના સુરેલી ગામે રહેતા દંપતીને વસ્તારમાં ત્રણ પુત્રીઓ હતી. પણ પુત્રના મોહને લીધે પુત્રની ઝખના ધરાવતાં હતાં તેઓ 1 સપ્ટેમ્બરના રોજ મોબઇલ પર કાલોલના રાધા ગોપી પ્રસુતિ હૉસ્પિટલમાં સાફ સફાઇ કરવા વાળા મંજુલાબેનનો ફોન આવ્યો કે તમારે છોકરો જોઇતો હોય તો તાત્કાલીક કાલોલ ખાતે આવી જાવ, જેથી પુત્રની ઘેલછાએ સુરેલીના દંપતી રીનાબેન અને પ્રવિણભાઇ કાલોલ મંજુલાબેનના ઘરે પહોંચી ગયા હતા. જયાં મંજુલાબેનએ રીનાબેનને તાજુ જન્મેલ બાળક આપ્યું હતું અને મંજુલાબેને કહ્યું કે, બાળકની માતાને ખર્ચ પેટે 15 હજાર આપવાના થશે તેમ જણાવીને દંપતી પાસેથી રૂપિયા 15,000 રોકડ લીધા હતા.
આ દરમિયાન રીનાબેનને બાળકના સગાને મળવાનું કહેતાં મંજુલાબેનને તમારે છોકરા સાથે મતલબ રાખોને તમારી જોડે કોઇ બાળક લેવા નહીં આવે તેમ જણાવીને 15 હજારના બદલામાં બાળક આપ્યું હતું. બાળક લઇને દંપતી સુરેલી પોતાના ઘરે આવ્યા હતા. પરતુ ચાર પાંચ દિવસથી બાળક માતાના ધાવણ વગર રડ્યા કરતું હતુ. બહુ રડવાના અવાજથી અને રીનાબેનને કોઇ સુવાવડના લક્ષણ ન હોવા છતાં તેઓ નવજાત બાળક કંઇથી લાવ્યા અને માતા વગર બાળક મરી જશે તેવા આશયથી પંચમહાલ બાળ સુરક્ષા એકમ ગોધરા ખાતે અનામી અરજી આવી હતી. જે અરજીના આધારે બાળ સુરક્ષાા અધીકારીએ તપાસ કરવા સુરેલી ગામે ગયા હતા. જ્યાં બાળકને દંપતિ ખરસલીયા ગામે ગયા હોવાનું જાણતાં અધિકારી ખરસલીયા રીનાબેનનના પિયરમાં જતાં ત્યાંથી નવજાત બાળક સાથે રીનાબેન અને પ્રવીણભાઇ મળી આવ્યા હતા.
બાળ સુરક્ષા અધિકારીએ નવજાત બાળકને ગેરકાયદેસર રીતે 15,000 રૂપિયામાં મંજુલાબેને પાસેથી રીનાબેન અને પ્રવિણભાઇએ ખરીદ્યું હોવાની હકીકત સામે આવી હતી. જેથી અધિકારીએ નવજાત બાળકને વિશીષ્ટ દત્તક સંસ્થા ગોધરા ખાતે મુકવા આદેશ કરીને બાળકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે.
બાળસુરક્ષા અધિકારીએ કાલોલ પોલીસ મથકે બાળકને જન્મ આપનાર અજાણી સ્ત્રી , મંજુલાબેન ,રીનાબેન પટેલ તથા પ્રવિણભાઇ પટેલ વિરુદ્ધ 317,114, 370 તથા ધી જુવેનાઇલ જસ્ટીટ એકટ 2015ની કલમ 80,81 મુજબની ફરિયાદ નોંધી હતી. કાલોલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી મંજુલાબેન , રીનાબેન તેમજ પ્રવીણ પટેલની હાલ ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે બાળકને જન્મ આપનાર અજાણી મહિલાની પણ શોધખોળ પોલીસે હાથ ધરી છે. હોસ્પિટલમાં કામ કરતી મંજુલાબેન હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવામાં મદદ કરતી હોવાથી તેને પ્રસુતિનો અનુભવ હતો. તેણે પોતાના ઘરે અજાણી મહિલાની પ્રસુતિ કરાવી હતી. હવે મંજુલાબેનના ઘરે પ્રસુતિ કરવામાં આવેલી અજાણી મહિલા લગ્ન કરેલ હતી કે, પછી કુવારી હોવાથી માતા બનતાં પાપ છુપાવવા ઘરે પ્રસુતિ કરાવી છે. તે તમામ હકીકત આરોપીઓની પૂછપરછ દરમિયાન બહાર આવશે. હાલ તો પોલીસે ત્રણને કોરોનાનો ટેસ્ટ કરાવવા કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીને કાલોલ પોલીસે પકડીને મૂળ માતા કોણ છે તે અંગે પૂછપરછ હાથ ધરી છે.