પંચમહાલઃ જિલ્લા SOG પોલીસે નકલી માર્કશીટ તેમજ સર્ટીફીકેટ બનાવવતું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા કૌભાંડમાં સરકાર માન્ય ITIના નકલી સર્ટીફીકેટ તેમજ માર્કશીટ ભેજાબાજો દ્વારા બનાવવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતુ.
પંચમહાલ જિલ્લા SOG શાખાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જિલ્લાના હાલોલ ખાતે આવેલા વિવિધ મલ્ટી નેશનલ ખાનગી કંપનીઓમાં નોકરી મેળવવા માટે ITIના ફીટર ટ્રેડની લાયકાત ધરાવતા ઉમેદવારોને નોકરી આપવામાં આવે છે અને આ ખાનગી કંપનીઓ દ્વારા ITIની લાયકાત ધરાવતા ઉમેદવારોને મહેનતાણું પણ આ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે. જેને લઈને અમુક ભેજાબાજો દ્વારા ITI ના ફીટર ટ્રેડના અલગ-અલગ સેમેસ્ટર તેમજ છેલ્લા વર્ષની માર્કશીટ તેમજ સર્ટીફીકેટ નકલી બનાવી કેટલાક નોકરી વાંચ્છું યુવકોને ઉંચી કિમત વસુલીને આપવામાં આવી રહ્યા હતા.
પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામના એક યુવાન દ્વારા નકલી માર્કશીટ આપતો હોવાનું સામે આવ્યું હતું. જે આધારે પોલીસ દ્વારા નદીસર ગામના સંગ્રામ ઠાકોર નામના ભેજાબાજની અટકાયત કરી તેની પૂછપરછ કરતા નદીસર ગામમાં ગીતાંજલિ ફોટો સ્ટુડિયો ચલાવતા દિગ્વિજયસિંહ લાકોડ નામના યુવક દ્વારા નકલી માર્કશીટ બનાવવામાં આવતી હોવાનું પોલીસને જણવા મળ્યું હતું.
પોલીસ દ્વારા નદીસર ગામના ગીતાજંલી ફોટો સ્ટુડિયો પર રેડ કરી દિગ્વિજયસિંહ લાકોડ નામના સ્ટુડિયોના માલિકની ધરપક્ડ કરી તેના સ્ટુડીયોમાં રાખવામાં આવેલા ડેસ્કટોપ કોમ્પ્યુટર અને લેપટોપની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લેપટોપ તેમજ ડેસ્કટોપ કોમ્પ્યુટરમાંથી પોલીસને જે દસ્તાવેજો હાથ લાગ્યા હતા. તે જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ દ્વારા સ્ટુડિયોની વધુ તપાસ હાથ ધરવામાં આવતા પોલીસને 17 જેટલી ITIની નકલી માર્કશીટ અને સર્ટીફીકેટો મળી આવ્યા હતા. પોલીસને મળેલી નકલી માર્કશીટો ગોધરા તાલુકાના મોરવા રેણા ગામના નુતન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ITIની હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસને મળેલા 17 માર્કશીટની ખરાઈ કરવામાં આવતા તમામ માર્કશીટ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા નકલી માર્કશીટ બનાવનારા તેમજ આ નકલી માર્કશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓનો સંપર્ક કરી આપતા સંગ્રામ ઠાકોરની અટકાયત કરી હતી.
ગોધરા SOG પોલીસ દ્વારા બંને ભેજાબાજોની સઘન તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, સંગ્રામ ઠાકોરે જાતે ITIનો અભ્યાસ કર્યો છે અને હાલોલની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગીતાંજલિ ફોટો સ્ટુડિયો ધરવતા દિગ્વિજયસિંહ લાકોડ પોતાના સ્ટુડિયોમાં ફોટોશોપ, કોરલ ડ્રો નામના સોફ્ટવેરની મદદથી પ્રથમ સાચી માર્કશીટને સ્કેનરની મદદથી સ્કેન કરી તેમાં એડીટીંગ કરતો અને તેને કલર પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ કરી લેમીનેશન કરીને આપતો હતો.
સંગ્રામ ઠાકોર હાલોલ ખાતેની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તે વિસ્તારના નોકરી વાંચ્છું યુવાનોનો સંપર્ક કરતો અને ITIના ફીટર ટ્રેડની માર્કશીટ બનાવી આપવાની વાત કરતો તેમજ પોતાના મોબાઈલમાં અગાઉ બનાવેલા માર્કશીટ બતાવતો અને નોકરી વાંછું યુવકો પાસેથી સંગ્રામ ઠાકોર એક માર્કશીટના 15000 રૂપિયા વસૂલતો જેમાંથી પોતાની પાસે 9000 રૂપિયા રાખી લેતો અને બાકીના 6000 રૂપિયા નકલી માર્કશીટ બનાવનારા દિગ્વિજયસિંહ લાકોડને આપતો હતો.
બંને ભેજાબાજો દ્વારા નકલી માર્કશીટ છેલ્લા દોઢ વર્ષથી વધારેના સમયથી બનાવતા હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસને જે 17 માર્કશીટ મળી આવી છે. તે 3 વિદ્યાર્થીઓના નામની જુદા-જુદા સેમેસ્ટરની નકલી માર્કશીટો હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે હાલ બંને ભેજાબાજો સામે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ, સ્કેનર, કલર પ્રિન્ટર સહીત રૂપિયા 24700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ દ્વારા બંને ભેજાબાજો પાસેથી વધુ વિગતો જેવી કે, આ નકલી માર્કશીટો હજૂ કેટલા વિદ્યાર્થીઓને બનાવી આપી છે? નકલી માર્કશીટના આધારે કેટલા કોઈ વ્યક્તિએ નોકરી મેળવી છે કે નહી? સમગ્ર મામલામાં ITIના કોઈ સ્ટાફમાંથી સામેલ છે કે, નહિ તમામ દિશામાં જાણકારી મેળવવા માટે બંને ભેજાબાજોના રિમાંડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.