પંચમહાલ: રાજગઢ પોલીસ દ્વારા ગુરુવારે વણશોધાયેલા ગુના ઉકેલવા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ફાટક ત્રણ રસ્તા પાસે વાહનચેકિંગની કામગીરી દરમ્યાન એક બાઈક સવાર આવતા તેને રોકવામાં આવ્યો હતો.
આ બાઈક સવાર પાસે પોલીસે બાઇકના દસ્તાવેજ માંગ્યા હતા. પરંતુ બાઈક ચાલકે દસ્તાવેજ બતાવવામાં ગલ્લાંતલ્લાં કરતા પોલીસે તેની અટકાયત કરી ઇ-ગુજકોપ સોફ્ટવેરમાં બાઈકના નંબરના આધારે તપાસ કરી હતી.
તપાસમાં આ બાઈક વડોદરાના કોઈ વ્યક્તિની હોવાનું ખુલ્યું હતું, જેને લઇને પોલીસ દ્વારા બાઈક સવારને સઘન પૂછપરછ કરતા તેણે આ બાઈક વડોદરાના હરણી ખાતેથી ચોરી હોવાનું જણાવ્યું હતું. આમ રાજગઢ પોલીસ દ્વારા બાઈક સાથે આ ઈસમની અટકાયત કરી વડોદરા ખાતેથી ચોરાયેલી બાઈકનો ગુનો ઉકેલી કાઢ્યો હતો.