પાવાગઢ : સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના પ્રથમ નોરતે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આંતર રાજ્યોમાંથી શ્રદ્ધાળુ માઈ ભક્તોનું ઘોડાપુર યાત્રાધામ પાવાગઢ ખાતે ઉમટી પડતા પાવાગઢ ખાતે જાણે ઠેર-ઠેર કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં મા આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ આસો નવરાત્રીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી આરાધના કરવાનો અનેરો મહિમા અને શ્રદ્ધા ભાવ છે.
ઠેર ઠેર માનવ મહેરામણ : આસો નવરાત્રીનું પ્રથમ નોરતું હોઈ શનિવારના રોજ મોડી સાંજથી યાત્રાધામ પાવાગઢ ખાતે માઈ ભક્તોનો ઘસારો શરૂ થયો હતો. જેમાં આખી રાત દરમ્યાન યાત્રાધામ પાવાગઢ ખાતે પગપાળા યાત્રાળુ સંઘ સાથે તેમજ ખાનગી વાહનો અને સરકારી બસો મારફતે હજારોની સંખ્યામાં માઈ ભક્તો પાવાગઢ ડુંગર ખાતે ઉમટી પડ્યા હતાx. જેને લઇ સમગ્ર પાવાગઢ ડુંગર પર માતાજીના મંદિર પરિસરથી માચી ખાતે અને તળેટીમાં ચાંપાનેર ખાતે ઠેર ઠેર માનવ મહેરામણ ઉમટેલુ જોવા મળ્યું હતું.
સવારે 4 વાગ્યાથી દર્શન શરુ : સો નવરાત્રીના પ્રથમ માતાજીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા હજારો માઇ ભક્તો મધ્યરાત્રીથી જ મંદિરના પરિસર લઈ છેક નીચે પગથિયા સુધી લાંબી લાંબી કતારોમાં જોડાયેલા જોવા મળ્યા હતાx. જેના મધ્ય રાત્રિના 3:00 વાગ્યાના સુમારેથી જ લાંબી લાંબી કતારો દર્શનાર્થીઓની લાગેલી જોવા મળી હતી. જેમાં આસો નવરાત્રીને અનુલક્ષીને માઇ ભક્તોના દર્શનાર્થે અગાઉથી જ નક્કી કરાયેલા સમય મુજબમાં કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી પરોઢે 4:00 વાગ્યાના સુમારે મહાકાળી માતાજી મંદિરના નિજ દ્વાર ભક્તજનોના દર્શનાર્થે ખોલી દેવાયાં હતાં.
બે લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા : સવારના 4:00 વાગ્યાથી જ માતાજીના દર્શન કરવા માટે ભક્તો લાંબી લાંબી કતારોમાં જોડાઈ માતાજીના દર્શન પૂજા અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરતા નજરે પડ્યા હતા. પરોઢથી શરૂ થયેલ માતાજીની પૂજા અર્ચનાનો સિલસિલો મોડી સાંજ સુધી એકધારો ચાલતા મોડી સાંજ સુધીમાં યાત્રાધામ પાવાગઢ ખાતે બે લાખ ઉપરાંત માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હોવાથી માહિતી પ્રાપ્ત થવા પામી છે.
એસટી અને પાર્કિંગ સુવિધા : નવરાત્રી દરમ્યાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ માઈ ભક્તો આવવાની શક્યતાઓને પગલે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક તંત્રના સહયોગથી માઇ ભક્તોને સત્કારવા માટેની તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે .જે અંતર્ગત જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્ર અને એસટી તંત્ર દ્વારા પણ પાવાગઢ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરાઇ છે, જેમાં એસટી તંત્ર દ્વારા નવરાત્રી દરમ્યાન માઇ ભક્તોને પાવાગઢની તળેટીથી લઈ માચી સુધી પહોંચાડવા માટે 70 જેટલી વધારાની એસટી બસો મૂકવામાં આવી છે જ્યારે વડા તળાવ ખાતે ખાનગી વાહનો માટે પાર્કિંગની અલાયદી વ્યવસ્થા પણ કરી વધારાની પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.વડા તળાવથી પાવાગઢ અને માચી માટે વધારાની 10 એસટી બસો મૂકવામાં આવી હતી.
પોલીસ બંદોબસ્ત : જ્યારે પોલીસ તંત્ર દ્વારા 1 ડીવાયએસપી 6 પીઆઇ 40 પીએસઆઇ સહિત ત્રણ જિલ્લાની પોલીસ જેમાં મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ સહિતના 800 જેટલા કર્મચારીઓને સુરક્ષાનો હવાલો સોપી યાત્રિકોની સુરક્ષા સલામતીની જાળવણી માટે ખડે પગે તહેનાત કરાયા છે. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સતત પાવાગઢના ખૂણે ખાંચરે નજર રાખી સુરક્ષા બંદોબસ્તમાં જોડાયા હતાં. જ્યારે પાવાગઢ ખાતે વર્ષોથી ઊભી થયેલી મોબાઈલ નેટવર્કની સમસ્યાને પણ દૂર કરવા માટે આ વખતે પાવાગઢ ખાતે 2 મોબાઈલ ટાવર ઉભા કરાયા હતાં.
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ભક્તોએ કરી ભક્તિ : યાત્રાધામ પાવાગઢમાં નવરાત્રીના પ્રથમ નોરતાને અનુલક્ષીને મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના મહાકાલેશ્વર મંડળના ભાવિક ભક્તો માતાજીના દરબારમાં માતાજીની પૂજા અર્ચના કરી આરતી માટે આવ્યાં હતાં. જ્યાં પરંપરાગત રીતે તેઓએ શ્રદ્ધાભાવ અને ભારે આસ્થા સાથે ભારે ધાર્મિક વાતાવરણમાં ધાર્મિક શ્લોક, મંત્રોચ્ચાર અને ઢોલ નગારા અને તાલે ઝૂમી માતાજીની ભક્તિમાં લીન બની મહાકાળી માતાજીની મહાઆરતી અને પૂજા અર્ચના કરી હતી. જેમાં હજારો માઇભક્તોએ પણ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંડળ દ્વારા કરાયેલ માતાજીની મહા આરતી તેમજ પૂજામાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.