શહેરાના વાઘજીપુરમાં 25 વર્ષીય યુવકની હત્યા
પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળ પર કાર્યવાહી
ફરિયાદના આધારે પોલીસે 13 વ્યક્તિઓ સામે હત્યાનો ગુન્હો નોંધ્યો
પંચમહાલ: શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં મોટરસાઈકલ અથડાઈ જવા જેવી સામાન્ય બાબતમાં 25 વર્ષીય યુવાનને જીવતો કૂવામાં નાંખી દઈને મોત નિપજાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, મંગળવારના રોજ શહેરા તાલુકાના વાઘજીપુર ગામના ડાયરા ફળિયામાં રહેતા બે સગા ભાઈઓ નરેન્દ્ર અરવિંદભાઈ બારીઆ અને નાનો ભાઈ રાજેન્દ્ર ઉર્ફે મિથુન અરવિંદભાઈ બારીઆ મોટર સાઇકલ લઈ ગામમાં જતા હતા. આ વખતે નરેન્દ્રની સાળી વનિતા બીપિન બારીઆના ઘર પાસેથી પસાર થતા હતા, ત્યારે તેમની મોટરસાઈકલ સાળી વનીતાને અથડાઈ જશે, એવું લાગતા વનીતાએ મોટરસાઈકલ ઉભી રખાવી ઝઘડો કરવા લાગી હતી. તે જ સમયે વનિતાનું ઉપરાણું લેવા તેનો પતિ બીપિન રમેશ બારીઆ, જેઠ ગિરીશ રમેશ બારીઆ, સાસુ કમળાબેન અને કાકા સસરા અશોક ચંદ્રસિંહ બારીઆ ત્યાં આવી પહોંચી વધુ ઝઘડો કરવા લાગ્યા હતાં.
જો કે, આવા સામાન્ય ઝઘડામાં નરેન્દ્રની સાળીએ કંઈક અલગ જ વિચારીને આ ઝઘડાની સઘળી હકીકતથી તેના પિયરીયાઓને વાકેફ કર્યા હતાં. આ બાજુ બપોરના 4 વાગ્યે ફરીથી નરેન્દ્ર ગામના ચોરા પર જવા નીકળ્યો હતો, પરંતુ મોટરસાઈકલમાં પેટ્રોલ ખૂટી જતાં તે મોટરસાઈકલ દોરીને ગામના જશોદાબેન હર્ષદભાઈ બારીઆના ઘર પાસેથી પસાર થતો હતો, ત્યારે ગોધરા તાલુકાના નસીકપુર ગામના વનીતાના ભાઈઓ ગાડી લઈ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમજ નરેન્દ્રને ઘેરી લઈ ઝઘડો કરવા લાગ્યા હતા અને નરેન્દ્રને મારવા લાગ્યા હતાં.
જેમાં તેઓ નરેન્દ્રને મારતા મારતા તેના ઘર તરફ લઈ ગયા હતા. આ તરફ રાજેન્દ્ર ઉર્ફે મિથુન ઘરે હોવાથી તેને પણ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. તેમજ રાજેન્દ્રને તેના ઘરની પાસે આવેલા કૂવા તરફ લઈ જીવતો કૂવામાં નાખી દીધો હતો અને ઘરના અન્ય સભ્યોને પણ કૂવામાં નાખી દેવાની ધમકી આપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
બીજી તરફ રાજેન્દ્રને ગામના માણસો દ્વારા કૂવામાં દોરડા વડે ઉતરી કૂવાના ઊંડા પાણીમાં તપાસ કરતા રાજેન્દ્ર ઉર્ફે મિથુન મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ બનાવના પગલે મૃતકના પરિવારજનોમાં ગમગીની ફેલાઇ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડયા હતા અને હત્યારાઓ સામે ફિટકાર વરસાવ્યો હતો.
બીજી તરફ પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ત્યાં પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતદેહને પી.એમ.માટે શહેરા સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો. આ સાથે જ એફ.એસ.એલની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાજેન્દ્ર ઉર્ફે મિથુનના મોટાભાઈ નરેન્દ્રની ફરિયાદના આધારે પોલીસે 13 વ્યક્તિઓ સામે હત્યાનો ગુન્હો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.