ગોધરા ખાતે દાહોદ રોડ પર આવેલી હોટલ સિલ્વર સ્પૂન ખાતે ભારત સરકારના ઇન્ફોર્મેશન બ્યૂરો અમદાવાદ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો સુધી સરકારી યોજનાઓની માહિતી પત્રકારો થકી પહોંચે તે માટે રૂરલ મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે પદ્મશ્રી અને જાણીતા વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડ્યા અને અને કટાર લેખક અને પત્રકાર મણિલાલ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના હેડ વિનોદ પાંડે તેમજ જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ,ઇન્ફોર્મેશન બ્યૂરો ગુજરાતના એડિશનલ ડાયરેકટર જનરલ ડો.ધીરજ કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા.
વરિષ્ઠ પત્રકાર વિષ્ણુ પંડયાએ જર્નાલીઝમ અને એથીક્સ ઉપર ચર્ચા કરતા જણાવ્યું કે,પત્રકારત્વમાં પત્રકારની પાસે શબ્દનો સ્પિરિટ હોવો જરૂરી છે.શબ્દનું વજન પડવું જોઇએ.પત્રકારોએ ઇતિહાસને પણ જાણવો જોઇએ.ત્યારે વધતી જતી જવાબદારી વચ્ચે આપણું કામ સ્થિર કરવાનું છે.પત્રકારે વાંચવું જોઈએ,શબ્દોએ પત્રકારનો પ્રાણ છે.તેમને આઝાદીના લડતના વખતના પત્રકારત્વ તેમજ આંતરરાષ્ટ્રીય પત્રકારત્વના વિષયો પર પણ પ્રકાશ પાડ્યો હતો.
મણિલાલ પટેલે ગ્રામીણ પત્રકારત્વ ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું કે,પત્રકારે દ્રષ્ટિ કેળવવી જોઇએ,પત્રકારત્વની વ્યાપ વધતો જાય છે. શહેર અને ગામડાના પણ પોતાના પ્રશ્નો છે.દ્રષ્ટિ પડશે તોજ ન્યુઝ બનશે.ખેતી,પશુપાલન,પંચાયતી રાજ,સહકાર આ ગ્રામીણ પત્રકારત્વમાં મહત્વના પાસાઓ છે.ગ્રામીણ સમસ્યાઓ સુધી પત્રકારોએ પહોંચવું જ જોઈએ.
ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના હેડ વિનોદ પાંડેએ જણાવ્યું હતું કે, પત્રકારત્વમાં ફેક ન્યૂઝને મહત્વ ન આપવું જોઈએ.પત્રકાર પાસે પોતાની સમજ અને પોતાની જવાબદારી હોવી જોઈએ.સંપર્ક સૂત્ર વધારે હોવા જરૂરી છે.જિલ્લાકક્ષાએથી નીકળતા નાના અખબારોની કામગીરીને બિરદાવતા તેમને ઉમેર્યું કે નાના અખબારોની ભુમિકા ઓછી આંકી શકાતી નથી. આ અખબારોના પત્રકારોની પણ સમાજમાં મહત્વની ભુમિકા છે.આ વર્કશોપમાં જિલ્લામાં ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ,ડિજિટલ મીડિયામાં ફરજ બજાવતા પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.