પંચમહાલ : હાલોલ તાલુકાના રાયણવાડીયા ખાતે રહેતા પ્રતાપભાઈ રાઠવાના લગ્ન ચંપાબેન સાથે થયા હતા. સુખી દાંપત્યજીવનમાં કુદરતે બન્નેને 2 પુત્રો અને 1 પુત્રીની ભેટ આપી હતી. ખેતીવાડી કરી ગુજરાન ચલાવતા પરિવાર માટે ગુરૂવાર ગોઝારો દિવસ બની ગયો. પ્રતાપભાઈ સુરા ગામે મહેમાન ગતિ ગયા હતા ત્યાંથી સાંજે પરત પોતાના ઘરે આવ્યા હતા. ઘરે આવી પોતાની પત્નીને જમવા અંગે પૂછતાં જ પત્નીએ પ્રતાપભાઈ અને બન્ને પુત્રો સાથે ઝગડો કરી આવેશમાં આવી ગઈ હતી. આવેશમાં આવેલા ચંપાબેને પોતાના પિતાને ફોન ઉપર વાત કર્યા બાદ બન્ને પુત્રો સાથે ઘેરથી નીકળી ગયા હતા.
બીજી તરફ પ્રતાપભાઈ પોતાની પત્ની આવેશમાં આવી છોકરા લઈ પિયરમાં જવા નીકળી હોવાનું માની બેઠા હતા. પરંતુ ચંપાબેનને પુત્રોએ ઝગડા અંગે બોલાચાલી કરતાં આવેશમાં આવી ચંપાબેને પોતાના બન્ને પુત્રોને કૂવામાં ફેંકી દઈ ત્યાંથી નાસી ગયા હતા. આ બનાવની જાણ ખેતર માલિકને થતા તેણે પોલીસને જાણ કરતાં પોલીસ ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે બન્ને કિશોરના મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યા હતા. પાવાગઢ પોલીસે બે બાળકોની હત્યા કરનારી માતા સાંમે તેના પતિએ ફરિયાદ નોંધાવતા હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી કોવિડ કસ્ટડીમાં મોકલી છે.