પંચમહાલઃ કાલોલ તાલુકામાં હ્યુમન ટ્રાફિકિંગનો બનાવ સામે આવ્યો છે. કાલોલના ખાનગી પ્રસુતિ હોસ્પિટલની સ્વીપર દ્વારા અજાણી મહિલાના તાજા જન્મેલા બાળકને કાલોલ તાલુકના સુરેલી ગામના અને ૩ પુત્રીઓના માતા પિતાને રૂપિયા 15 હજારમાં વેચી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે કાલોલ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કાલોલ તાલુકાના સુરેલી ગામે રહેતા દંપતીને વસ્તારમાં ત્રણ પુત્રીઓ હતી. પણ પુત્રના મોહને લીધે પુત્રની ઝંખના ધરાવતાં હતાં. તેઓને 1 સપ્ટેમ્બરના રોજ મોબઇલ પર કાલોલના રાધા ગોપી પ્રસુતિ હોસ્પિટલમાં સાફ સફાઇ કરવાવાળા મંજુલાબેનનો ફોન આવ્યો કે તમારે છોકરો જોઇતો હોય તો તાત્કાલિક કાલોલ ખાતે આવી જાવ. જેથી પુત્રની ઘેલછાએ સુરેલીના દંપતી રીનાબેન અને પ્રવિણભાઇ કાલોલ મંજુલાબેનના ઘરે પહોચી ગયા હતા. જયાં મંજુલાબેને રીનાબેનને તાજુ જન્મેલું બાળક આપ્યું હતુ. આ સાથે મંજુલાબેને કહ્યુ કે, બાળકની માતાને ખર્ચ પેટે 15 હજાર આપવાના થશે તેમ જણાવીને દંપતી પાસેથી રૂપિયા 15000 રોકડ લીધા હતા.
જ્યારે રીનાબેન દ્વારા બાળકના સગાને મળવાનુ કહેતાં મંજુલાબેને તમારે છોકરા સાથે મતલબ છેે ને એવું કહી 15 હજારના બદલામાં બાળક આપ્યુ હતુ. બાળક લઇને દંપતી સુરેલી પોતાના ઘરે આવ્યા હતા. પરંતુ ચાર પાંચ દિવસથી બાળક રડયા કરતું હતુ. બહુ રડવાના અવાજથી અને રીનાબેનને કોઇ સુવાવડના લક્ષણ ન હોવા છતાં તેઓ નવજાત બાળક કંઇથી લાવ્યા તેવા સવાલ ઉઠ્યા હતાં. તો બીજી બાજુ પંચમહાલ બાળ સુરક્ષા એકમ ગોધરા ખાતે એક અનામી અરજી આવી હતી. જે અરજીના આધારે બાળ સુરક્ષાા અધિકારીએ તપાસ કરવા સુરેલી ગામે ગયા હતા. જયાં બાળકને દંપતિ ખરસલીયા ગામે ગયા હોવાનું જાણતાં અધિકારી ખરસલીયા રીનાબેનના પિયરમાં જતાં ત્યાંથી નવજાત બાળક સાથે રીનાબેન અને પ્રવીણભાઇ મળી આવ્યા હતા.
બાળ સુરક્ષા અધિકારીએ નવજાત બાળકને ગેરકાયદેસર રીતે 15000 રૂપિયામાં મંજુલાબેને આપીને રીનાબેન અને પ્રવિણભાઇએ લીધેલ હોવાથી જે ગેરકાયદેસર હોય, નવજાત બાળકને વિશિષ્ટ દત્તક સંસ્થા ગોધરા ખાતે મુકવા આદેશ કરીને બાળકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બાળસુરક્ષા અધિકારીએ કાલોલ પોલીસ મથકે બાળકને જન્મ આપનાર અજાણી સ્ત્રી, મંજુલાબેન ,રીનાબેન પટેલ તથા પ્રવિણભાઇ પટેલ વિરુદ્ધ ફરીયાદ નોધાવી હતી.
કાલોલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુન નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી મંજુલાબેન, રીનાબેન તેમજ પ્રવિણ પટેલની હાલ અટકાયત કરી છે. જયારે બાળકને જન્મ આપનાર અજાણી મહિલાની પણ શોધખોળ હાથ ધરી છે. હોસ્પિટલમાં કામ કરતી મંજુલાબેન હોસ્પિટલમાં પ્રસુતી કરાવવામા મદદ કરતી હોવાથી તેને પ્રસુતીનો અનુભવ હતો. તેણે પોતાના ઘરે અજાણી મહિલાની પ્રસુતી કરાવી હતી. હવે મંજુલાબેનના ઘરે પ્રસુતિ કરાવેલી અજાણી મહિલા લગ્ન કરેલ હતી કે પછી કુંવારી હોવાથી માતા બનતાં પાપ છુપાવવા ઘરે પ્રસુતી કરાવી તે અંગે પોલીસે કરેલી ત્રણની અટકાયતમાં તમામ હકીકત બહાર આવશે. હાલ તો ત્રણેયને કોરોનાનો ટેસ્ટ કરાવવા કોવિડ હોસ્પિટલ ખસેડયા છે.