- હાલોલમાં સરકારી શાળાની ગંભીર ભૂલ
- ધો. 10ની નાપાસ વિદ્યાર્થીનીને અપાયું 11મા ધોરણમાં પ્રવેશ
- વિદ્યાર્થીના બે વર્ષ બગડ્યા
હાલોલ: GIDCમાં આવેલી મોડલ સ્કૂલમાં બે વર્ષ અગાઉ 10માં ધોરણમાં નાપાસ હોવા છતાં 11માં ધોરણમાં એડમિશન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીના વાલીને ખ્યાલ ન હતો કે વિદ્યાર્થીની દસમા ધોરણમાં નાપાસ થયી છે ત્યારે સર્ટી રીઝલ્ટ લઇને બે વર્ષ અગાઉ મોડેલ સ્કૂલમાં એડમિશન માટે ગયા હતા ત્યારે મોડલ સ્કૂલમાં સંચાલકો દ્વારા રિજલ્ટ જોયા વગર જ અગિયારમાં ધોરણમાં એડમિશન આપી દેવામાં આવ્યું હતું. અગિયારમાં ધોરણમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થીનીએ ફાઈનલ પરીક્ષા આપી તે પરીક્ષા પાસ પણ કરી દીધી અને બારમાં ધોરણમાં આખુ વર્ષ ઓનલાઇન પણ અભ્યાસ કર્યો. જ્યારે 12માં ધોરણનું ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે વર્ગશિક્ષકને ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થીની દસમાં નાપાસ છે ત્યારે શિક્ષક દ્વારા એવું કહેવામાં આવ્યું કે તું તો 10માં નાપાસ છે એટલા માટે તું બારમા ધોરણની પરીક્ષા નહીં આપી શકે.
બે વર્ષ બગડ્યા તો તેનું જવાબદાર કોણ
ધોરણ 10માં પોતે નાપાસ હોવાની વાત જાણીને વિદ્યાર્થીનીના પગ તળેથી જમીન ખસી જવા પામી હતી. સમગ્ર હકીકતની જાણ વિદ્યાર્થીને પોતાના વાલીને કરી હતી. વાલી દ્વારા આ મામલે શાળામાં સંપર્ક કરવામાં આવતા શાળા સંચાલકોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની આશાને ધોરણ 10ની પરીક્ષા આપવી પડશે અને તે પાસ કર્યા પછી જ ધોરણ 12ની પરીક્ષા આપી શકશે. ત્યારે વિદ્યાર્થીની તેમજ તેના વાલી માંગ કરી રહ્યાં છે કે શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલના કારણે વિદ્યાર્થીનીના 2 વર્ષ બગડ્યા છે ત્યારે તેની જવાબદારી કોની? આ ગંભીર ભૂલ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
જવાબદારો સામે કાર્યવાહીની માગ
સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક સહિત વિદ્યાર્થીની અને તેના વાલીને પણ જવાબદાર ઠેરવ્યા છે. જ્યારે આ પ્રકારની ભૂલ કરનાર શાળાના જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાત કરી. વિદ્યાર્થીનીને ધોરણ 10 પાસ કરવું જ પડશે તેવો રાગ આલાપ્યો હતો. ત્યારે વિદ્યાર્થીની આશાના અભ્યાસના બગડેલા 2 વર્ષનું શું તે પ્રશ્નનો જવાબ હાલ કોઈ પાસે નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા સંચાલકોની ગંભીર ભૂલ એક વિદ્યાર્થીના અભ્યાસના બે વર્ષ બગાડ્યા છે. આ વિદ્યાર્થીને ધોરણ 10 સુધીમાં એવું તો કેવું શિક્ષણ આપવામાં આવ્યું કે આ વિદ્યાર્થીની ધોરણ 10ની પરીક્ષા આપ્યા બાદ બોર્ડ દ્વારા આપવામાં આવેલી પોતાની જ માર્કશીટ તને સમજી ન શકી અને એટલું પણ જાણી ન શકી કે પોતે આપેલી પરીક્ષાનું શું પરિણામ આવ્યું છે.
આ પણ વાંચો: હાલોલમાં પુસ્તકાલયની અગાસી પરથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો