પંચમહાલઃ ગોધરાના શ્રીજી દર્શન એપાટમેન્ટમાં રહેતાં રાજેશકુમાર દેવકરણ શુકલા ગોધરાની SBIમાં બચત ખાતું ધરાવે છે. RBIના નિયમ મુજબ જરૂરી KYC માટેના દસ્તાવેજો બેંકને પુરા પાડવાના હોય છે. જે રાજેશભાઇએ બેંકને જરુરી KYCના દસ્તાવેજો પુરા પાડયા હતા, પરંતુ રાજેશભાઇના મોબાઇલ પર KYCના દસ્તાવેજો રજૂ કરવા મેસેજ આવતાં તેઓ બેંકમાં જઇને બેંક અધિકારીને બે માસ પહેલા KYCના દસ્તાવેજો આપેલા હોવાનું જણાવ્યું હતું.
તેમ છતાં બેંક અધીકારી માન્યા નહિ એટલે રાજેશભાઇએ નવુ ફોર્મ ભરીને ફરીથી નવા KYC દસ્તાવેજો આપ્યા હતા. ગ્રાહકે બેંક અધિકારી પાસેથી KYCના દસ્તાવેજો મળ્યા બદલ સહિ કરાવી દીધી હતી. તેમ છતા બેંક દ્વારા ગ્રાહક રાજેશભાઇ પાસે ફરીથી KYCની માંગણી કરતો પત્ર લખ્યો હતો. બેંક અધિકારી દસ્તાવેજો ખોટી રીતે યોગ્ય ફાઇલમાં મુકયાં વગર ગુમ કરી ગ્રાહકને હેરાન પરેશાન કરીને વારંવાર KYCની માંગણી કરીને ગ્રાહકનો ધંધો રોજગાર બગાડીને બિન જરુરી બેંકમાં જઇને દસ્તાવેજો આપવા હેરાનગતિ કરીને માનસિક ત્રાસ આપવામાં આવતા હોવાની ગ્રાહકે SBI બેંક પાસેથી રૂપિયા 50 હજારનું વળતર મેળવવા અંગે ગ્રાહક તરકાર ફોરમ અરજી કરી હતી.
તે અરજી ચાલી જતાં વકીલ શકીલાબેન શેખની દલીલોને ધ્યાને લઇને અરજદારની અરજી મંજુર કરીને SBI બેંકને અરજદારને માનસિક ત્રાસ અને ખર્ચ પેટે રુપિયા 10 હજાર વળતર આપવાનો હુકમ કર્યો હતો તથા બેંક પોતાના બેદરકાર અધીકારી સામે યોગ્ય પગલા ભરે તેવી પણ નોંધ કરી હતી.
ગ્રાહક ફોરમ દ્વારા સ્ટેટ બેંકને રુપિયા 10,000નું વળતર ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હોવાની વાતને બેન્કના ચીફ મેનેજર દ્વારા સ્વીકારવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં આવેલી બેન્કની તમામ શાખાઓના કર્મીઓને આદેશ કર્યો હતો કે, ગ્રાહકો સાથે KYCને લઈને કોઈ અગવડ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે. બેંકના અધિકારી દ્વારા ભલે વાત કરવામાં આવતી હોઈ કે ગ્રાહકોને તકલીફ ન પડે તેવી સેવા પૂરી પાડવામાં આવે છે, પરંતુ બેંક કર્મીઓ દ્વારા ગ્રાહકો સાથે અવારનવાર આ પ્રકારના કિસ્સા સામે આવે છે.