પાલીકાના જણાવ્યા પ્રમાણે, ગોધરા શહેરની વસ્તી અંદાજે 1.61 લાખ છે, જેને પીવા માટે રોજિંદુ 3 લાખ લીટર પાણી ગોધરા નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવે છે. ગોધરા શહેરના 35 હજાર કનેકશનમાં પીવાનુ઼ પાણી કાંટડી પાસેની નર્મદાની મુખ્ય કેનાલ દ્વારા આપવામાં આવે છે. આ નર્મદાની મુખ્ય કેનાલનું પાણી પ્રથમ સંપમાં ઠાલવવામા આવે છે અને ત્યાંથી 250 હોર્સ પાવરની મોટર દ્વારા ભામૈયા ખાતે મોકલીને બાદમાં ગોધરાની 7 પાણીની ટાંકીઓમાં જાય છે, ત્યારે સંપમાંથી પાણી ભામૈયા ખાતે મોકલતી 250 હોર્સ પાવરની મોટર બળી જતાં સંપમાંથી પાણી ભામૈયા સુધી પોહચીં શકે તેમ ન હોવાથી ગોધરા શહેરને ત્રણ દિવસ સુધી પાણીનો પુરવઠો મળશે નહિ.
250 હોર્સની મોટર બળી જતાં પાલીકાએ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે અને સ્પેરમાં રાખેલી મોટર ફીટ કરવાની કામગીરી પણ ચાલુ છે, પરંતુ સંપ ભરેલો હોવાથી કામગીરીમાં અડચણ આવી રહી છે. મોટર ફીટ કરતાં 2 દિવસ જેટલો સમય લાગતો હોવાથી પાણી પુરવઠો બંધ રાખવામાં આવ્યો છે. જેથી ભર ચોમાસાએ પીવાનુ઼ પાણી ત્રણ દિવસ બંધ રહેતાં શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે, ત્યારે પાલીકા દ્વારા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા શહેરીજનોમાં રોષની લાગણી પ્રવર્તી છે.
ઉલ્લેખનીય છે કે, પ્લાન્ટમાં મોટર વર્ષો જુની હોવાથી વાંરવાર બગડી કે, બળી જાય છે. તેમ છતાં પાલીકા નવી મોટર ફીટ કરતું નથી. શહેરમાંને પાણી પહોંચાડતી પાઈપ લાઈન અને મોટરોમાં દર ૩ મહીને ખામી સર્જાવાની આ પ્રકારની ઘટનાઓ બનતી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનો ભોગ શહેરીજનોને બનવું પડે છે.