71માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં ગોધરાના પોલિસ પરેડ ગ્રાઉન્ડમાં નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યપ્રધાન યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રધાને ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત વિશાળ જનમેદનીની હાજરીમાં ભારતની આન, બાન, શાનના પ્રતીક રાષ્ટ્રધ્વજને ફરકાવી, સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું.
પ્રજાસત્તાક દિવસે ઉપસ્થિત પ્રજાજનોને શુભેચ્છાઓ પાઠવતા પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતની વિકાસયાત્રાનો ચિતાર આપતા તેમણે જણાવ્યું હતું કે, જનહિતલક્ષી નિર્ણયો અને તેના નક્કર અમલીકરણથી પ્રત્યેક વ્યક્તિને પ્રતિતી થઈ રહી છે કે, સરકાર તેમની પડખે છે. ખેડૂતો, યુવાનો, વંચિતો, વનબંધુઓ, મહિલાઓ સહિત દરેક વર્ગના લોકો માટે સરકારે દ્રઢતાપૂર્વક સંવેદનશીલ નિર્ણયો લઈને પ્રગતિશીલતાનો પંથ કંડાર્યો છે. કમોસમી વરસાદની સ્થિતમાં ખેડૂતો માટે જાહેર કરેલા રાહત પેકેજ, જળસંચય માટે થયેલ કામગીરી, આરોગ્ય ક્ષેત્રનીમાં અમૃતમ- મા વાત્સલ્ય યોજના, દરેક ઘરને નળજોડાણની ગેરંટી આપતી નળ સે જળ યોજના, હાઉસિંગ ફોર ઓલ યોજના, રોજગાર ભરતી મેળાઓ, ગરીબ કલ્યાણ મેળાઓ સહિતની પહેલોએ પ્રજાજનોને સુશાસનની પ્રતિતી કરાવી હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દેશની એકતા-અખંડિતતા તેમજ નાગરિકોની સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે.
જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા 16 જેટલા ટેબ્લોનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લાની 12 પ્લાટુનના 244 જવાનોની પરેડ કમાન્ડર પ્રોબેશનરી DYSP હિમાલા જોષીના નેતૃત્વ હેઠળ શાનદાર પરેડ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લાની 8 શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ નૃત્યો, આદિવાસી નૃત્યો, લેઝિમ ડાન્સ સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની મનમોહક પ્રસ્તુતિ કરી સૌના દિલ જીતી લીધા હતા. ઉપરાંત, પોલિસ જવાનો દ્વારા યોજાયેલ ડોગ-શો અને બાઈકસવારોના અદભુત સ્ટંટે લોકોને રોમાંચિત કર્યા હતા.
આ પ્રસંગે પ્રધાનએ જિલ્લા કલેક્ટર અમિત અરોરાને ગોધરા તાલુકાના વિકાસ હેતુ રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનારા રમતવીરો અને તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત કુલ 30 વ્યક્તિઓને પ્રશસ્તિપત્રો એનાયત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે મેડલ્સ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, ડિ.આઈ.જી.પી એમ.એસ. ભરાડા, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીએ.જે.શાહ, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, નાયબ વન સંરક્ષક ડો. જી.એસ.સિંઘ, ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, નિવાસી અધિક કલેક્ટર એમ.એલ.નલવાયા સહિતના અધિકારીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, મહાનુભાવો, આમંત્રિતો, શહેરીજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી થઈને ભારે ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય પર્વ મનાવ્યો હતો.