પ્રાપ્ત વિગતો મુજબ, પંચમહાલ જિલ્લાના હાલોલની GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં મજૂરીકામ કરતા અને મૂળ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના દિનેશ સોલંકી આ ખાનગી કંપનીમાં જ તેમની પત્ની બે બાળકો દિનેશભાઇના નાનાભાઈ સાથે રહેતા હતા. ગત તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ દિનેશભાઈના 3.5 વર્ષના પુત્ર કુલદીપનું કંપનીમાં આવેલ એક પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોત થયું હતું. સમગ્ર બાબતની જાણ દિનેશભાઈ દ્વારા હાલોલ પોલીસને કરવામાં આવી હતી જે અનુસંધાને પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
જે દરમિયાન કુલદીપની અંતિમક્રિયા દરમિયાન તેમજ કંપનીમાં નોકરી પર તેમનો નાનોભાઈ તેમજ મૃતક કુલદીપના કાકા દશરથ સોલંકી ન આવતા દિનેશભાઈના મનમાં શંકા જતા તેમણે કંપનીના માલિકને જાણ કરી કંપનીમાં લાગેલા CCTVના ફૂટેજ ચેક કર્યા હતા જે ફૂટેજમાં દશરથ સોલંકી તેના ભત્રીજા કુલદીપને તારીખ 30 ડિસેમ્બર 2019 ના સાંજના સમયે ઊંચકીને કંપનીની અંદર આવી અને પાણીની ટાંકી તરફ ગયો હતો. આરોપીને બાળકને કારણે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, તેવું લાગતા તેણે તેના ભાઈને બાળકને મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઘટનામાં સમગ્ર હત્યાનું કારણ એ છે કે, આરોપી દશરથને બાળકને લઈ તેમના ભાઈ અને ઘરના સાથે ઝધડો થયો હતો અને તે જ ગુસ્સામાં તેણે બાળકને ઉંચકીને પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો. જ્યાં બાળકનું મૃત્યુ થયું હતું. પોલીસે સમગ્ર મામલે હત્યારા કાકા સામે હત્યાનો ગુનો નોધી તેના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે .