ગુજરાત પ્રદેશ કોંગ્રેસે પોતાની કામ કરવાની ઢબ બદલી છે. કોંગ્રેસના પ્રદેશકક્ષાઓના નેતાઓ કોઈ પણ હાલાકી ભોગવતા લોકોની મુલાકાતો ગોઠવી રહ્યા છે. આ મુલાકાતોનો રિપોર્ટ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મોકલવામાં આવે છે. જેના ભાગરુપે કોંગ્રેસના નેતાઓએ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં આવેલા વંદેલી, નવાગામ, બીલવાણિયા, વીરણીયા, નાટાપુર, કડાદરા ,પરબિયા, કુવાઝર( નવી વસાહત)મોજરી, બામણા સહિતના ગામોનાં લોકોને મળી તેમની તકલીફો જાણી હતી.
કોંગી આગેવાનોએ આ આદિવાસી વિસ્તારોમાં કુવાઓ, હેન્ડપંપો અને પાણીની ટાંકીઓની સમીક્ષા કરી હતી. આ પ્રવાસમાં ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા, પંચમહાલ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, રફીક તિજોરીવાલા, સુલેમાન શેખ, ગંભીરસિંહ ડામોર, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ ડામોર, મહિલા પ્રમુખ લીલાબેન સહિતના નેતાઓ જોડાયા હતાં. સમસ્યાઓ અંગે ઉચ્ચકકક્ષાએ રજુઆત કરવાની અને જરુર પડે તો આંદોલન કરવાની પણ ખાતરી આપી હતી.