પંચમહાલના વેજલપુરની એક મહિલા સાથે પરપ્રાંતીય યુવાને ફેસબુક પર મિત્રતા કરી હતી. મૂળ રાજસ્થાનના જોધપુરના ધન્નારીકલા ગામના હર્ષવર્ધન બાબુલાલ સોની નામનોયુવાનફેસબુક મિત્રતાને અનૈતિક સંબંધો સુધી લઈ ગયો હતો. યુવાન વેજલપુર આવી જતા મહિલા પોતાના પરિવાર સાથે યુવાનને લેવા ગઈ હતી. બે દિવસમાં યુવાન પરિવાર સાથે હળી-મળી જતા વધુ 10 દિવસ રોકાયો હતો. આ દરમિયાન યુવાને બંને વચ્ચેની અંગત પળોના ફોટા મોબાઈલથી પાડી લીધા હતા.
યુવાને રાજસ્થાન પહોંચ્યા બાદ ફેસબુક પર રાજા રાની સોની અને વ્હોટ્સએપ પર ફ્રેન્ડ્સ ગ્રુપ બનાવી વેજલપુર અને આસપાસના લોકોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પોતાના ગ્રુપમાં એડ કર્યા હતા.તેણે મહિલાના પોતાની સાથેના ફોટો વાયરલ કરવાની ધમકી આપી એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતે મહિલાએ સ્થાનિક વેજલપુર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ફેસબુકના યુવકના રાજા રાની એકાઉન્ટના આઈ.પી એડ્રેસના આધારે તેને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.
ટેક્નોલોજીના ઉપયોગના સહારે પોલીસને ગુમરાહ કરવાના પ્રયત્નો કરતા હર્ષવર્ધને આ સમગ્ર ઘટના ક્રમની કેફિયત કેમેરા સમક્ષ પણ વર્ણવી હતી. હાલ વેજલપુર પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી યુવાન સામેગુનો નોંધી ધરપકડ કરી છે. તેમજ વધુ પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે.