કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ગરીબી રેખા હેઠળ આવતા પરિવારોને આરોગ્ય લક્ષી સેવાઓ વિના મુલ્યે મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ચાલુ કરી હતી. યોજનામાં નાની મોટી મળીને 1807 બિમારીની સારવાર મફતમાં મળી રહે છે. યોજના લાગુ થતાં પંચમહાલ જિલ્લાની વસ્તીના આધારે કુલ 208000 આયુષ્માન કાર્ડ આરોગ્ય વિભાગ દ્વારા ઇશ્યું કરવામાં આવ્યા હતા. સરકારી યોજનાનો ખોટો લાભ લેવા કેટલાક પ્રધાનમંત્રી આયુષ્માન મિત્રો દ્વારા ખોટા આયુષ્માન કાર્ડ ઇશ્યુ કર્યા હોવાની માહીતી મળતાં આરોગ્ય નિમાયકે તપાસના હુકમ કર્યા હતા.
જિલ્લાના આયુષ્માન કાર્ડના દસ્તાવેજોનું કાર્ડને વેરીફીકેશન કરવામાં આવ્યું હતું. આયુષ્માન કાર્ડના વેરીફીકેશનમાં જિલ્લામાંથી 142 આયુષ્માન કાર્ડ બોગસ મળી આવ્યા હતા. તે તમામ બોગસ કાર્ડને રદ કરીને આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન મિત્રો વિરુદ્ધ કાર્યવાહી કરવા નોટીસ ફટકારી હતી.
સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડની નામોની યાદી જાહેર કરાઈ હતી. જેમાં કુટુંબના એક સભ્યના નામ આવેલ હોય તેમના રેશનકાર્ડમાં આવેલ બઘા સભ્ય નામ આયુષ્યમાન કાર્ડમાં એડ થઈ શકે છે. પણ જાહેરાત થયેલ નામમાં બહારની વ્યક્તિનુ નામ ઉમેરીને પ્રધાનમંત્રી આયુષ્યમાન મિત્ર એ બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી દીધા હતા. જેનું આરોગ્યના આઈટી સેલે આવા બોગસ કાર્ડને પકડી પાડયા હતા. પંચમહાલ જિલ્લામાં આયુષ્માન કાર્ડના વેરીફીકેશનમાં કાલોલ તાલુકામાંથી 51, ગોધરા તાલુકામાંથી 15, હાલોલ તાલુકામાંથી 22 તથા શહેરના તાલુકામાંથી 54 આયુષ્માન કાર્ડ મળી આવ્યા હતા.