MGVCLની ટીમ દ્વારા ગામમાં વીજ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન રણછોડ વણઝારા નામના ઈસમે વીજ પોલ ઉપર લંગરીયા લગાવી વીજ ચોરી કરી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી MGVCLની ટીમ દ્વારા વીજ પોલ ઉપરથી લંગરીયા દૂર કરવાનો પ્રયાસ કરવાંમાં આવ્યો હતો. જેથી એક પરીવારે ઉશ્કેરાઈને એક જ ઘરના 4 થી 6 જેટલા સભ્યોએ MGVCL ટીમ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
લાકડી અને કુહાડી જેવા હથિયારો લઈ માથાભારે ઈસમો દ્વારા MGVCLના કર્મચારી ઉપર તૂટી પડ્યા હતા. જો કે, સમય સુચકતા વાપરી MGVCLના કર્મચારીઓએ પોતાનો જીવ બચાવી ઘટના સ્થળેથી ભાગવામાં સફળ થયા હતા. આ હુમલામાં બે કર્મચારીઓને ઇજા પણ પહોંચી હતી. જ્યારે સિક્યુરિટી ઉપર કુહાડીથી હુમલો કરવામાં આવતા ગાર્ડના હાથના ભાગે પણ ઇજા પહોંચી હતી. આ જીવલેણ હુમલાને લઇ વીજ કર્મચારીમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેથી શહેરા પોલીસે હુમલો કરનાર માથાભારે ચાર ઈસમો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.