ગોધરાની સરકારી સેવા સદન ખાતે જિલ્લાભરમાંથી પ્લાસ્ટિકના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ અને કામદારો હાજર રહ્યા હતા. તમામે સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને આવેદન પત્ર પાઠવ્યું હતું. જિલ્લા નાયબ કલેકટર એમ.એલ. નલવાયાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવામાં આવ્યું હતું કે, સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના પરિપત્ર મુજબ ૫૧ માઇક્રોનથી વધુ જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધિત યાદીમાં સમાવિષ્ટ નથી.
અયોગ્ય અર્થઘટનને કારણે પાલિકાતંત્ર દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવાની જાહેરાતને લઇને વેપારી વર્ગ મુશ્કેલીમાં મૂકાયો છે. તંત્ર દ્રારા વેસ્ટ કલેકશનની પધ્ધતિ અપનાવામાં આવે તો સમસ્યાનું ઘણા અંશે નિરાકરણ શકય છે. ડેરી દ્રારા થતું દૂધ પેકીંગ તેમજ ખાદ્ય પદાર્થો અને તૈલી પદાર્થોનું પેકિંગ પ્લાસ્ટિક બેગમાં થાય છે. જેનું રિ-સાયકલિંગ શકય નથી.
વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તેના કારણે ૬૦૦ જેટલા એકમો બંધ થશે. તેમજ ૧૦,૦૦૦ કામદારો બેકાર થશે. મશીનરી ઊદ્યોગ, ટ્રાન્સપોર્ટ અને એન્સિલરી ઉદ્યોગને વિપરીત અસર થશે. આ ઉદ્યોગોની લોન ભરવી એ પ્રશ્ન સર્જાશે તેમજ વેપારીઓ સાથે પેમેન્ટ લેવા માટે કટોકટી સર્જાશે. જેવા અનેક મુદ્દાઓ લેખિત આવેદનપત્રમાં જણાવામાં આવ્યા હતા.