પંચમહાલઃ જિલ્લાના ગોધરા ખાતે સર્વ સમાજના અગ્રણીઓ દ્વારા ડીજે સિસ્ટમમાં ઉંચા અવાજે વાગતા અશ્લિલ ગીતોને કારણે યુવાવર્ગ ગેરમાર્ગે દોરાઈ રહ્યોં છે. જેથી સમાજને દૂષિત કરતા ડીજે તથા વાહનોમાં વાગતા ગીતો પર નિયંત્રણ કરવાની માગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા સર્વ સમાજના અગ્રણીઓ જિલ્લા સેવાસદનની કચેરી ખાતે આવ્યા હતા.
જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,જિલ્લામાં સર્વ સમાજમાં સારા નરસા પ્રસંગમાં ડીજે ખૂબ જ ઉંચા અવાજે બિભત્સ ગીતો, સાથે વગાડવામાં આવે છે. જેમાં ડીજેના ઉંચા અવાજના કારણે મોત થવામાં પણ બનાવો બને છે. સમાજમાં નાની વયના બાળકોનો અભ્યાસ બગડે છે. કુમળી વયે બાળકો ભાગી જવામાં બનાવો બને છે. જેનાથી સમાજો વચ્ચે ઘર્ષણ થાય છે અને સમાજમાં ખોટા ખર્ચા થાય છે અને જેથી આંશિક નૈતિક સામાજિક અધ:પતન થાય છે.
જાહેર રસ્તાઓ ઉપર ફરતા રીક્ષા,છકડા, મીનીજીપ, ટ્રાવેલ્સ જેવા વાહનોમાં અશ્લીલ ગીતો વગાડવામાં આવે છે. ડીજે તથા વાહનોમાં વાગતા ગીતો ઉપર નિયત્રણ આવે અને દાહોદ જિલ્લાની જેમ જાહેરનામુ બહાર પાડવામાં આવે અને નીયમોનું પાલન થાય તે અને સમાજના વ્યાપક હિતમા જરુરી આદેશોની માંગ કરી હતી.