ગોધરાઃ રવિવારના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન થયું હતું, જેની માહિતી તેમના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટરના માધ્યમથી આપી હતી. ભારત સરકારે 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2020 સુધી સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.
ભારત સરકારની સૂચનાને પગલે રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પણ ગુજરાતમાં આ શોક પાળવા અંગેના આદેશો જારી કર્યા છે. ત્યારે ગોધરા શહેરમાં આવેલો જિલ્લાનો સૌથી મોટો 105 ફૂટ ઉંચો અને તાજેતરમાં જ ઉભો કરાયેલો રાષ્ટ્રધ્વજ સાત દિવસ સુધી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનના શોકમાં અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે.