પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો માટે આર્શીવાદ સમાન પંચામૃત ડેરીમાં ઉચાપત થઈ હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાની જીવાદોરી સમી આ ડેરીમાં ભાજપના ચેરમેન ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ પંચામૃત ડેરીના કર્મચારીઓ વિરૂદ્ધ ડેરીમાં ઉચાપત મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. કારણ કે, તેમણે વર્ષ 2008-2009 અને 2009-2010માં પોતાના આર્થિક લાભ માટે ડેરીના દ્વારા થતાં દૂધ- છાશના વિતરણમાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને 2.40 કરોડની ઉચાપત કરી હોવાનું ઓડીટમાં બહાર આવ્યું હતું. જેથી પંચામૃત ડેરીના કર્મચારીઓ દ્વારા ગોધરા બી- ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ હતી.
પંચામૃત ડેરીના કર્મચારીઓ દ્વારા નાણાકીય વર્ષ 2008-2009માં રૂપિયા 1.49 કરોડ તેમજ 2009-2010 દરમિયાન 91 લાખની ઉચાપત થઈ હોવાની બે અલગ-અગલ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા માજી સાંસદ, પંચામૃત ડેરીના ચેરમેન ભૂપેન્દ્રસિંહ સોલંકી, જે-તે સમયના MD અને માર્કેટીંગ વિભાગના 7 કર્મચારીઓ વિરૂદ્ધ કાવતરૂં રચી સંસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવા તેમજ ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર મામલે સાંસદ અને ડેરીના ચેરમેને આ આરોપને વખોડવાતા જણાવ્યું હતું કે, "વર્ષેને વર્ષે ઓડિટ થતું રહે છે. આ ઘટના ઉપજાવી કાઢેલી છે. મારે ચેરમેન પદ છોડે 10 વર્ષ થઈ ગયા છે, ત્યારે હાલ ફરિયાદ નોંધાવી એ એક રાજકીય સ્ટંટ સિવાય બીજુ કાંઈ નથી."