નવસારી: સમલૈંગિક સંબંધોને માન્યતા આપવાની ચર્ચાઓ વચ્ચે નવસારી જિલ્લા કલેકટર કચેરી પર કેટલીલ મહિલાઓ આવેદન પત્ર પાઠવવા પહોંચી હતી. આ મહિલાઓએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, 'સમલૈંગિક વિવાહ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. ભારતની સંસ્કૃતિમાં લગ્નને એક આવશ્યક સંસ્કાર માનવામાં આવે છે. લગ્નમાં ફક્ત બે વ્યક્તિઓ નહિ પરંતુ બે પરિવાર વચ્ચે સબંધો વિકસે છે.'
મહિલાઓએ નોંધાવ્યો વિરોધ: કાયદો સર્વે માટે સરખો હોવો જોઈએ એવી સ્પષ્ટ વાત મૂકીને પુરુષ-પુરુષ સાથે અને મહિલા-મહિલા સાથે વૈવાહિક જીવન જીવી શકે એવી સમલૈંગિક બંધુઓએ માંગણી કરી છે. જેની સામે નવસારીની અલગ અલગ સંસ્થા સાથે સંકળાયેલ મહિલાઓએ સમલૈંગિકની માગણીનો વિરોધ નોંધાવ્યો છે. મહિલાઓએ જણાવ્યા અનુસાર, 'આવા વિવાહએ આપણી સભ્યતા અને સંસ્કૃતિની વિરૂદ્ધ છે. આને કારણે સમાજમાં અઇચ્છનીય વાતવરણ ઉભું થઇ શકે છે. ભારત દેશ પવિત્ર વિચારધારા ધરાવતો દેશ છે અને આવા પવિત્ર દેશમાં જ્યારે આવી વિકૃત માનસિકતા ભારત દેશની વિચારધારા સાથે મળતી નથી. તેથી સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને તેને આપેલા 16 સંસ્કાર પૈકીના લગ્ન સંસ્કાર નાશ પામશે'
કુટુંબ વ્યવસ્થા તૂટી પડશે: મહિલા આગેવાન ઉષાબેન જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, 'સમલૈંગિક યુગલોને વિવાહ અને માન્યતા આપવા માટેનો સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કારણ કે સમલૈંગિક સંબંધો જે આપણી ભારતીય સંસ્કૃતિને અનુકૂળ નથી આ સંબંધોને માન્યતા આપવામાં આવે તો આ સમાજ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા તૂટી પડે તેમ છે. તેથી અમે આનો સખત વિરોધ કરીએ છીએ.'