નવસારી: જિલ્લાના જલાલપુર તાલુકાના આસુંદર ગામે થોડા દિવસ અગાઉ થયેલા શંકાસ્પદ મોત મામલે હત્યાનું કાવતરું બહાર આવ્યું છે. આસુંદર ગામે રહેતા સાદુલભાઇ ભરવાડની પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરાવી સમગ્ર મામલો અકસ્માત મોતમાં કપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસની સતર્કતાને કારણે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું અને પત્ની પ્રેમી અને મદદ કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
'થોડા દિવસ અગાઉ આ સુંદર ગામની સીમમાંથી 32 વર્ષીય સાદુલભાઇ મેઘાભાઈ મીરની કુવામાં ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી નવસારી ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં સમગ્ર ઘટનાની સ્થળ તપાસમાં પોલીસને શંકા જતા ઝીણવટ ભરી રીતે તપાસ કરતા મરણ થયાના આગલા દિવસે મેહુલ મીર અને અનિલ હળપતિ સાદુલભાઇના સંપર્કમાં હતા તેથી બંને ઇસમોની કડકાઇથી પૂછપરછ કરતા તેઓએ હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હત્યાના ત્રણેય આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.' -વી.એન.પટેલ, DYSP, નવસારી
પત્ની-પ્રેમી ભેગા મળીને કરી હત્યા: પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર નવસારી જિલ્લાના આસુંદર ગામે પશુપાલન કરી ગુજરાત ચલાવતા સાદુલભાઈ મેપાભાઇ ભરવાડનો ગત મહિનાની 30 મી તારીખે કુવામાં પડેલી હાલતમાં મૃતદેહ મળી હતી. જેમાં પોલીસે શંકા જતા હ્યુમન ઈન્ટેલિજન્સનો સહારો લઇને તપાસ હાથ ધરી હતી. જેમાં કડકાઈથી તપાસ કરતા સામે આવ્યું કે આ મૃતકની હત્યા કરી દેવામાં આવી છે. મરણ જનારની પત્ની જ્યોતિને મરણ જનાર સાદુલભાઇના પિતરાઈ ભાઈ મેહુલ મીર નામના સંબંધી સાથે આડા સંબંધો હતા. બંનેને ભેગા મળીને સમગ્ર હત્યાને અંજામ આપ્યો હતો.
હત્યાનું કાવતરું: પોલીસની તપાસમાં સામે આવેલી માહિતી અનુસાર મૃતક સાદુલ ભાઈને બાળકો ન થતા હોવાના કારણે ટ્રીટમેન્ટ ચાલતી હતી. તે દરમિયાન મૃતકની પત્નીએ મેહુલ મિર સાથે આંખ મળી જતા આડા સંબંધોમાં બાળકો જનમ્યા હતા જેમાં એક બાળક ત્રણ વર્ષનું અને એક બાળક 11 માસનું હતું. મૃતકે વારંવાર બાળકો કોના છે એ બાબતે પૂછતા પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ થતા હતા. આડા સંબંધોમાં આડ ખીલી રૂપ ઊભા થયેલા પતિનું કાસળ કાઢી નાખવા માટે પ્રેમી આરોપીએ પોતાના નજીકના મિત્ર એવા અનિલ હળપતિને દસ હજાર રૂપિયા આપી હત્યાનું કાવતરું રચ્યું હતું.
કુવામાં ધક્કો મારી હત્યા: પોલીસની પકડમાં આવેલા ત્રણેય આરોપીઓએ વાછરડો ખોવાઈ ગયું છે એમ કહીને મૃતક સાદુળભાઈને ખેતરે લઈ ગયા હતા અને કૂવામાં ધક્કો મારી દીધો હતો. કુવામાં પડેલા સાદુરભાઈનું મોત નીપજતા સમગ્ર ઘટનાને અકસ્માતમાં કપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની સજાગતાએ કાવતરા પરથી પડદો ઉચકી દીધો છે અને ત્રણેય આરોપીઓ પોલીસના સકંજામાં આવી ગયા છે.