નવસારી: કોરોનાની સ્થિતિને લઈને સમગ્ર ભારત લોકડાઉન છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ પોલીસ દ્વારા લોક ડાઉનનો કડકાઇથી અમલ કરાવાઇ રહ્યો છે. બીજી તરફ ધીરે-ધીરે લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે અને લોકો કોરોના સામે લડવાનો પ્રયાસ કરવા પોતાની સોસાયટીઓમાં સફાઈ સાથે જ બહારની વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.
જોકે જાગરૂકતાની બીજી તરફ નવસારીના જલાલપોર વિસ્તાર સહિત પૂર્વ તરફના ગલી, મોહલ્લાઓ અને સોસાયટીઓમાં, વિજલપોર શહેરની આંતરિક ગલીઓમાં લોકો પાડોશીઓ સાથે વાત કરવા, યુવાનો અને વૃદ્ધો સોસાયટીના નાકે બેઠકો કરવા, આવશ્યક વસ્તુઓ લેવાના બહાને કે સોસાયટીના બાળકો ક્રિકેટ કે અન્ય રમતો રમવાના બહાને લોક ડાઉનનો ભંગ કરી રહ્યા છે.
આ સમગ્ર બાબતની નવસારીના સાંસદ સી. આર. પાટીલને ધ્યાને આવતા તેમણે સરકારી સૂચનાઓનું કડકાઇથી પાલન કરવા અને જે કામ વગર બહાર નીકળશે, એ સમાજનો દુશ્મન હોવાનું જણાવી સરકાર દ્વારા લોકડાઉનનો ચુસ્તતાથી પાલન કરવા અપીલ કરી હતી. સાથે જ જરૂરિયાતમંદ લોકોને માટે 3 કિલો ચોખાની એક એવી 50 હજાર કીટ બનાવી તેની વહેંચણી તેમના ઘરે જ કરવાની તૈયારી કરી હોવાનું જણાવ્યું હતું.