- કોરોના કાળમાં લોકોના મોઢે માસ્ક પણ જોવા ન મળ્યા
- તૂર સ્પર્ધા દરમિયાન ગામના સરપંચ સહિત આગેવાનો રહ્યા હતા ઉપસ્થિત
- વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે 16 લોકો સામે કરી કાર્યવાહી
નવસારી : કોરોના કાળમાં નવસારીના સારવણી ભાજપી કાર્યકરના જન્મ દિવસે તુર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં લોકોએ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યુ હતું. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો માસ્ક પહેર્યા વગર જ જોવા મળી રહ્યા છે. જોકે બાદમાં સફાળે જાગેલી પોલીસે જેનો જન્મ દિવસ હતો એની સાથે 16 લોકો સામે ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી હતી.
તુર સ્પર્ધાનું આયોજન
કોરોના કાળમાં થોડી રાહત મળી તો લોકો કોરોનાને ભુલી ગયા હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. ચુંટણીના પડઘમ વાગતા રાજકિય કાર્યક્રમો શરૂ થયા છે. જેની સાથે લગ્ન કે જન્મ દિવસની પાર્ટીઓ પણ ખાનગી રીતે ઉજવવાનું આયોજન થઇ રહ્યુ છે. બાદમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાવતા વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ સફાળે જાગી કાર્યવાહી કરે છે. આવું જ કઇ નવસારીના ચીખલી તાલુકાના સારવણી ગામે બન્યુ હતુ. અહીં પણ ફણસપાડા ફળિયામાં રહેતા વિક્રમ ધનસુખભાઇ પટેલે ગત 26 ડિસેમ્બરની રાતે પોતાનો જન્મ દિવસ ઉજવવા ગામના પુન ડુંગરી પર ત્રણ તુરવાળાઓને બોલાવ્યા હતાં અને મંડપ બાંધી તુર સ્પર્ધા યોજી હતી.
સ્પર્ધામાં સામાજીક અંતરનું ઉલ્લંઘન
સ્પર્ધામાં સારવણી સહિત આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતાં. આદિવાસીઓના પારંપરિક વાદ્ય તુર વાદન સ્પર્ધા દરમિયાન ન તો સોશ્યલ ડીસ્ટન્સ જળવાયુ હતું કે ન તો લોકોએ મોઢે માસ્ક પહેર્યા હતા. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ચીખલી પોલીસ સફાળે જાગી હતી અને સારવણીમાં કોણે કાર્યક્રમ કર્યો હોવાની તપાસ કરીને વિક્રમ પટેલ સહિત મંડપવાળા, તુરવાળા મળીને કુલ 16 લોકો સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી રાતોરાત જામીન પર છોડી પણ મુક્યા હતા.
અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના વાંસદાના ધારાસભ્યના આક્ષેપો
લગ્ન કે જન્મ દિવસની ઉજવણી તમેજ રાજકિય પાર્ટીના કાર્યક્રમોમાં સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા હોવાના વીડિયો સામે આવવાની ઘટનાઓ મુદ્દે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તંત્ર સામે બળાપો કાઢ્યો હતો. કોંગ્રેસ કાર્યક્રમ આપવાની હોય એના બે દિવસ પૂર્વે પોલીસને જાણ થઇ જાય છે, પણ તુર સ્પર્ધા જેવા કાર્યક્રમોની પોલીસને માહિતી ન મળે એ માની શકાય નહી. સાથે જ તેમણે અધિકારીઓ રાજકીય પક્ષના પ્રભાવમાં રહીને કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ થતો હોય પણ આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો પણ લાગાવ્યા હતા.