- નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયે નોવેલના મેળવ્યા છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પેટન્ટ
- ભાવનગરના સખી મંડળ અને મુંબઈની ખાનગી કંપની સાથે થયો ટેકનોલોજી ટ્રાન્સફર કરાર
- કૃષિ યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં 31 કંપનીઓ અને બે સહકારી મંડળીઓ મળી કુલ 33 એમઓયુ કર્યા
નવસારીઃ કેળાના ફેંકી દેવાતા થડમાંથી નીકળતા પાણીનું મૂલ્યવર્ધન કરી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા નિર્મિત અને પેટન્ટેડ નોવેલ સેન્દ્રીય ખાતર ભારતના ખૂણે-ખૂણે પહોંચી રહ્યુ છે. જેમાં યુનિવર્સિટી દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફરના નવા બે એમઓયુ કરવામાં આવ્યા હતા. જેની સાથે યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં ખાનગી કંપનીઓ અને સહકારી મંડળીઓ મળી કુલ 33 એમઓયુ કર્યા છે.
આ પણ વાંચોઃ વેસ્ટમાંથી બેસ્ટ: ફેંકી દેવાયેલા કેળાના થડમાંથી નોવેલ સેન્દ્રિય ખાતર બનાવ્યું, જુઓ વિશેષ અહેવાલ...
કેળાના થડમાં સાતથી આઠ લિટર પાણી હોય છે
નવસારી કૃષિ યુનિવર્સિટીના જળ અને જમીન વ્યવસ્થાપન વિભાગ દ્વારા 2008માં કેળાના ફેંકી દેવાતા થડ પર સંશોધન કરીને વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવી હતી. કેળાના થડમાં સાતથી આઠ લિટર પાણી હોય છે, જેમાં પોટેશિયમ અને લોહતત્વ સાથે જમીનને જરૂરી અન્ય તત્વો પણ વિપુલ પ્રમાણમાં મળી રહે છે. જેથી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા મૂલ્યવર્ધન કરી સેન્દ્રીય ખેતી માટે વરદાનરૂપ પ્રવાહી ખાતર નોવેલનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.
![કેળાના ફેંકી દેવાતા થડમાંથી બનેલા સેન્દ્રીય ખાતર નોવેલ માટે થયા વધુ બે એમઓયુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-novel-mou-rtu-gj10031-hd_13062021174354_1306f_1623586434_7.jpg)
કેળાના થડના પાણીમાંથી બનેલા નોવેલ સેન્દ્રીય ખાતર દેશના ખુણે-ખુણે પહોંચ્યુ
યુનિવર્સિટી દ્વારા ભારત સહિત વિશ્વના સાત દેશોમાં પણ પેટન્ટ લઈને આંતરરાષ્ટ્રીય સિદ્ધિ નામે કરી હતી. હવે આ નોવેલ સેન્દ્રીય ખાતર ભારત સહિત વિદેશોમાં પણ પ્રચલિત થઈ રહ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભારતના 9 રાજ્યો અને દક્ષિણ આફ્રિકામાં નોવેલની ટેકનોલોજી ટ્રાન્સફરના એમઓયુ કરવામાં આવ્યા છે.
![કેળાના ફેંકી દેવાતા થડમાંથી બનેલા સેન્દ્રીય ખાતર નોવેલ માટે થયા વધુ બે એમઓયુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-novel-mou-rtu-gj10031-hd_13062021174354_1306f_1623586434_809.jpg)
કંપની નોવેલ બનાવવા વલસાડમાં પ્લાન્ટ નાખવાની તૈયારી કરી રહી
યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં 31 ખાનગી કંપનીઓ અને બે સહકારી મંડળી સાથે નોવેલનો વ્યાપારિક કરાર કરી ટેકનોલોજી ટ્રાન્સફર કરવામાં આવી છે. આજે પણ યુનિવર્સિટી દ્વારા મુંબઈની કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યો છે. જે કંપની નોવેલ બનાવવા વલસાડમાં પ્લાન્ટ નાખવાની તૈયારી કરી રહી છે.
![કેળાના ફેંકી દેવાતા થડમાંથી બનેલા સેન્દ્રીય ખાતર નોવેલ માટે થયા વધુ બે એમઓયુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-02-novel-mou-rtu-gj10031-hd_13062021174354_1306f_1623586434_547.jpg)
આ પણ વાંચોઃ દાહોદ જિલ્લાના 19,500 આદિવાસી ખેડૂતોને 6.82 કરોડના ખાતર-બિયારણની સહાય કરવામાં આવી
ગુજરાતની બે સહકારી મંડળીઓએ પણ નોવેલ માટે કર્યા એમઓયુ
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં થયેલા કરારોમાં યુનિવર્સિટીએ ભાવનગરના કીકારીયા ગામના બાપા સીતારામ સખી મંડળ તેમજ બારડોલીના બાબેનની શ્રી ખેડૂત સહકારી જીનીંગ એન્ડ પ્રોસેસિંગ સોસાયટી સાથે પણ નોવેલ સેન્દ્રીય ખાતર માટે કરાર કર્યો છે.