નવસારી : જલાલપોર તાલુકાના કરાડી ગામ ખાતેથી છેલ્લા ચાર દિવસમાં એક નર અને એક માદા એમ બે દીપડા પાંજરે પુરાતા ખેડૂતો તથા પશુપાલકોએ હાશકારો મેળવ્યો છે. જોકે બે દિવસ પહેલાં રહેણાંક વિસ્તાર નજીક દીપડીના બચ્ચાના પંજાના નિશાન જોવા મળતા બચ્ચાં પણ આ વિસ્તારમાં ફરતા હોવાનું લોકો જણાવી રહ્યા છે.
જલાલપોર તાલુકામાં ફફડાટ : નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ઐતિહાસિક એવા કરાડી ગામના હન્ના તરીકે ઓળખાતા સીમાળ વિસ્તારમાં ઘણા સમયથી દીપડા ચારો ચરવા જતા પશુઓને શિકાર બનાવી રહ્યા હતા. આ ઉપરાંત રાત્રીના સમયે ગોરસિયા ફળિયા જેવા રહેણાંક વિસ્તારમાં મરઘાં, બકરાં કે વાછરડી જેવા પાલતું પશુઓનો શિકાર થયાના અનેક બનાવો બન્યા હતા. તે દરમિયાન થોડા દિવસ પહેલાં બકરાં ચરાવવા ગયેલા પશુચાલકની નજર સામે દીપડો ધોળે દિવસે ચારો ચરતી બકરીને ઉપાડી ગયો હતો.
બે દીપડાએ આતંક મચાવ્યો : બીજી ઘટનામાં તેજ દિવસે દીપડાએ સાંજના ચારેક વાગ્યાના સમયે રહેણાંક વિસ્તાર નજીક એક વાછરડા પર હુમલો કરી મારણ કર્યું હતું. આમ એક જ દિવસે દીપડાએ બે પાલતુ પશુઓ પર ધોળે દિવસે હુમલો કરી આતંક મચાવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની ગંભીર નોંધ લઈ વનખાતાએ રાત્રીના સમયે તાબડતોબ પાંજરૂ ગોઠવી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.
દીપડાના બચ્ચાના પંજાના નિશાન : ચારેક દિવસની કવાયત બાદ અઢી વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. જેના કારણે પશુપાલકો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે દીપડો પાંજરે પુરાયો તેજ દિવસે બપોર બાદ ખેતરમાં કામ કરતા મજૂરોને અન્ય દીપડો દેખાતા ગ્રામજનો પુન: ભયના ઓથાર હેઠળ આવી ગયા હતા. બાદમાં બે દિવસ અગાઉ ગોરસિયા ફળિયાના રહેણાંક વિસ્તારમાં દીપડીના બચ્ચાના પંજાના નિશાન જોવા મળ્યા હતા.
મારણની લાલચે દીપડો ફસાયો : આ ઘટનાની જાણ વન વિભાગને કરતા ગત રોજ કરાડી ખાતે પાંજરૂ ગોઠવતાં ગોરસિયા ફળિયાના યુવાનોએ પાંજરામાં મરઘો અને બકરીનું મારણ મુકી દીપડાને ઝબ્બે કરવાની કવાયત કરી હતી. રાત્રીના સમયે ચાર વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી. આમ કરાડીના ગોરસિયા ફળિયાના આદીવાસી યુવાનોએ નર અને માદા એમ બંને દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. ત્યારે હજુ પણ આ વિસ્તારમાં દીપડાના નાના બચ્ચાની હાજરી હોવાની શક્યતાઓ રહેલી છે.
ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો : વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતાએ જણાવ્યું હતું કે, નવસારી સામાજિક વનીકરણ વિભાગને કરાડી ગામના સ્થાનિકો દ્વારા કરાડી ગામમાં દિવસ દરમિયાન દીપડાના આંટાફેરા અને દીપડા દ્વારા દુધાળુ પશુઓ પર હુમલો કર્યાની ઘટનાની માહિતી આપવામાં આવી હતી. નવસારી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં બે દિવસ અગાઉ એક દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ આજે વહેલી સવારે ચાર વર્ષની દીપડી પણ પાંજરે પુરાઈ છે. જેની સામાજિક વનીકરણ દ્વારા દાક્તરી તપાસ કરી પકડાયેલા દીપડાને અને દીપડીને જંગલમાં મુક્ત કરવામાં આવશે.