નવસારી: કાળઝાળ ઉનાળો નવસારી જિલ્લાના ડુંગરાળ પ્રદેશ વાંસદાના ઘણા ગામોમાં પાણીની સમસ્યા સર્જે છે. નીચે જૂજ ડેમમાં પાણી હોવા છતાં 2 કિલોમીટર ઊંચે ડુંગર ઉપર વસેલા રાયબોર ગામના સિંગલમાળ ફળીયાના આદિવાસીઓ ભર ઉનાળે સુકાઈ રહેલા કુવામાંથી દુષિત પાણી ભરવા મજબૂર બન્યા છે. જેમાં પણ પુરતુ પાણી ન મળવાથી 2 કિમી નીચે ઉતરી જૂજ ડેમમાંથી પાણી લાવવુ પડે છે. જેથી તંત્ર વર્ષ અગાઉ મંજૂર થયેલી પાણી યોજના કાગળ પર રાખવાને બદલે તેને ક્રિયાન્વિત કરે એવી આશા સ્થાનિકો સેવી રહ્યાં છે.
વાંસદા તાલુકાના મહારાષ્ટ્રની સરહદી ગામોમાંનું એક અને જૂજ ડેમની નજીક ડુંગર પર વસેલા રાયબોર ગામના સિંગલમાળ ફળિયાના 60થી વધુ આદિવાસી પરિવારો ઉનાળાના આકરા તાપમાં પાણી માટે વલખા મારી રહ્યાં છે. છૂટા છવાયા ઘરોના આ ફળીયામાં ડુંગર પર આવેલા કૂવામાં હોળી બાદ પાણી ગરમીને કારણે સુકાવા લાગે છે. જેમાં હાલ ભરઉનાળે કૂવામાં પાણીના સ્તર નીચે ઉતરી ગયા છે અને જે પાણી બચ્યુ છે, એમાં લીલ જામી જવાને કારણે પાણી દુષિત બન્યું છે.
કુવા સિવાયનો પાણીનો અન્ય સ્ત્રોત ન હોવાને કારણે આદિવાસી મહિલાઓ કુવામાંથી દુષિત પાણી ખેંચી બેડા ભરે છે અને આકરા તાપમાં માથે પાણી ભરેલા બેડા મૂકી ઉંચા નીચા ડુંગરાળ વિસ્તારથી થઈ ઘરે પહોંચે છે. કૂવામાં પણ પાણી ઓછું હોવાને કારણે કયા તો બે કિલોમીટર નીચે ઉતરી ડેમના કેચમેન્ટ વિસ્તારમાંથી પાણી ભરી, ત્યાંથી માથે બેડા મૂકી ડુંગર ચઢે છે. પાણી ભરવામાં જ કલાકો વિતવાને કારણે મહિલાઓએ તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો, તો બીજી બાજુ દૂધ કરતાં પણ મોંઘુ પાણીનું ટેન્કર મંગાવવુ પડતું હોવાના આક્ષેપો મહિલાઓએ કર્યા હતા.
વાંસદાના જૂજ ડેમમાં ઉનાળો હોવા છતાં પાણીનો ભંડાર ભર્યો છે, પણ એનાથી 2 કિમી ઉપર સિંગલમાળના લોકો પાણી માટે હેરાન થઈ રહ્યા છે. ગત વર્ષે સ્થાનિક આગેવાનોની તંત્રને વારંવારની રજૂઆતો બાદ વાંસદા ધારાસભ્ય અનંત પટેલ તેમજ તત્કાલિન જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત લીધા બાદ સિંગલમાળ ફળિયાની 30 વર્ષ જૂની પાણી સમસ્યાનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યુ હતુ. ત્યારબાદ લાખોની પાણી યોજના મંજૂર પણ થઈ, પણ મહિનાઓ વિત્યા છતાં કાગળ પર જ રહેવાને કારણે આદિવાસીઓએ ધમધખતા તાપમાં દુષિત પાણી ભરવુ પડી રહ્યુ છે. જ્યારે દુષિત પાણી આરોગ્ય માટે પણ હાનિકારક હોવા છતાં લોકો દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે.
ઉનાળો નવસારીના આદિવાસી અને ડુંગરાળ પ્રદેશ વાંસદા તાલુકા માટે વિકટ સાબિત થાય છે. તાલુકાના ઘણા ગામોમાં પીવાના પાણી માટે આદિવાસીઓએ બેથી ત્રણ કિલોમીટર દૂરથી બેડાઓ ભરીને પાણી લાવવા પડે છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સુવ્યવસ્થિત પાણી યોજના બનાવી, તેને ક્રિયાન્વિત કરવાનો પ્રયાસ કરે, એવી માંગણી ઉઠવા પામી છે.