- ચીખલીના તત્કાલીન PI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની કરાઈ અટકાયત
- ડાંગના બે આદિવાસી યુવાનોએ ચીખલી પોલીસ મથકમાં કરી હતી આત્મહત્યા
- સમગ્ર પ્રકરણમાં અઠવાડિયાની તપાસ બાદ નોંધાયો હતો હત્યાનો ગુનો
નવસારી : જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં બે મહિના અગાઉ બે આદિવાસી યુવાનોના હત્યાના આરોપસર તત્કાલિન PI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની શુક્રવારે સાંજે નવસારી પોલીસે બાતમીને આઘારે પકડી પાડ્યા હતા. બે મહિનાથી ફરાર ચાલતા હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડ માટે કોંગી ધારાસભ્ય સહિત આદિવાસી સમાજે સરકાર અને પોલીસ તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.
ચીખલીના તત્કાલીન PI સહિત 6 સામે હત્યા અને એટ્રોસિટી હેઠળ નોંધાયો હતો ગુનો
નવસારીના ચીખલી પોલીસ મથકમાં ગત 18 જુલાઈએ બાઈક ચોરીની શંકાને આધારે ચીખલી પોલીસે ડાંગના રવિ જાદવ સુનિલ પવારની શકમંદ તરીકે અટકાયત કરી હતી. દરમિયાન ગત 21 જુલાઇની વહેલી સવારે રવિ અને સુનિલ બંનેએ એક જ વાયર પંખા સાથે બાંધી અને વાયરના બંને છેડા એકબીજાના ગળે બાંધી, આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ મથકમાં બે શકમંદ આદિવાસી યુવાનોની આત્મહત્યા મુદ્દે કોંગી ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ સહિતના આદિવાસી આગેવાનોએ શંકા વ્યક્ત કરી તટસ્થ તપાસની માંગણી કરી હતી.
આ પણ વાંચો : ક્વાડ વૈશ્વિક ભલાઈ માટે એક તાકાત તરીકે કામ કરશે: નરેન્દ્ર મોદી
પરીવારને હતો યુવાનોની હત્યાનો શક
સમગ્ર પ્રકરણમાં પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ આરંભી હતી. જેની સાથે જ જ્યુડિશિયલ તપાસ પણ શરૂ થઈ હતી. દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ચીખલીના PI અજીતસિંહ વાળા, HC શક્તિસિંહ ઝાલા અને PC રામજી યાદવને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે આદિવાસી યુવાનોએ આત્મહત્યા નહીં, પરંતુ તેમની હત્યા કરવામાં આવી હોવાના આદિવાસી સમાજ અને મૃતક યુવાનોના પરિવારે આક્ષેપો સાથે ફરિયાદ કરતા અઠવાડિયા બાદ પોલીસે ચીખલીના તત્કાલીન PI અજીતસિંહ વાળા સહિત છ સામે હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી. પરંતુ હત્યાનો ગુનો નોંધાતા જ હત્યારોપી પોલીસ કર્મીઓ જાણે ગાયબ થઇ ગયા હોય, એમ પોલીસના હાથે હાથતાળી આપી રહ્યા હતા.
યુવાનોને ન્યાય મળે તે માટે આંદોલન
વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી આગેવાનો દ્વારા દરેક તાલુકાના મામલતદાર સહિત જિલ્લા કલેકટરને ચીખલી કસ્ટોડિયલ ડેથના હત્યારોપી પોલીસ કર્મીઓની ધરપકડ કરવાની માંગણી કરી હતી. સાથે જ આદિવાસી આગેવાનોએ મૃતક આદિવાસી યુવાનોને ન્યાય મળે એ માટે આંદોલન છેડ્યું હતુ. જેમાં ગત 20, 21, અને 22 સપ્ટેમ્બરે ચીખલી પોલીસ મથક નજીક પ્રતીક ધરણાનો કાર્યક્રમ આપ્યો હતો. પરંતુ આદિવાસી આગેવાનો અને કોંગી ધારાસભ્ય પ્રતિક ધરણા કરે એ પૂર્વે જ કેટલાકને ડીટેન અને કેટલાકને નજરકેદ કરી પોલીસે ધરણા કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો.
આ પણ વાંચો : વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપને વેગ આપવા વેબસાઈટ તૈયાર કરાશે: જીતુ વાઘાણી
બાતમીના આધારે આરોપીઓની ધરપકડ
કોંગી ધારાસભ્ય અનંત પટેલને આદિવાસી આગેવાનો સાથે 24 સપ્ટેમ્બરે સુરત રેન્જ આઇજી સાથે મુલાકાતનો સમય આપવામાં આવ્યો હતો. આદિવાસીઓના આંદોલનને ઉગ્ર થતું જોતા હરકતમાં આવેલી પોલીસે ચીખલી પોલીસ મથકના તત્કાલિન PI અજીતસિંહ વાળા, HC શક્તિસિંહ ઝાલા અને PC રામજી યાદવને આજે સાંજે બાતમીના આધારે તેમના ઘર નજીકથી પકડી પાડ્યા હતા. પોલીસ ત્રણેય હત્યારોપી પોલીસ કર્મીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પોલીસ તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરશે. સાથે જ બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટેના પ્રયાસો પર આરંભ્યા હોવાની માહિતી મળી હતી.