નવસારીઃ જિલ્લામાં કોરોનાની મહામારીને અટકાકાવા માટે છેલ્લા 16 દિવસથી જિલ્લા તંત્ર સતત કાર્યરત રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં કોરોના સામેની જંગ માટે તંત્રની તૈયારી વિશે ગુરૂવારે નવસારી જિલ્લા કલેક્ટર આદ્રા અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
જેમાં તેમણે જણાવ્યું કે, નવસારી જિલ્લામાં વિદેશ કે, અન્ય રાજ્યોની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 1292 વ્યક્તિઓને શોધીને તેમને હોમ કોરોન્ટાઇન કરાવામાં આવ્યા હતા. જેમનો કોરોન્ટાઇન પીરીયડ પૂરો થયો છે. જ્યારે જિલ્લામાં ત્રણ હોસ્પિટલોને કોવીડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે.
જેમાં નવસારી સિવિલ હોસ્પિટલમા 100 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાંથી 10 બેડ આઇસીયુમાં રખાયા છે.
નવસારીની યશફીન હોસ્પિટલ અને વાંસદાની ઉદિત હોસ્પિટલને પણ 100-100 બેડની કોવીડ-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ સાથે જ ફલૂ ઓપીડી પણ શરૂ કરાઇ છે. જેનો નવસારીજનો લાભલે એની અપીલ પણ કરવામાં આવી છે. ત્રણેય હોસ્પિટલો માટે જિલ્લા અધિક કલેક્ટર કમલેશ રાઠોડને જવાબદારી આપવામાં આવી છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના શંકાસ્પદ 41 કેસો નોંધાયા છે. જેમાંથી 37 કેસોનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને 4 કેસોના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે જિલ્લામાં મુંબઇ અને ઓખા-પોરબંદરથી આવેલા અંદાજે 2000 માછીમારોને પણ હોમ કોરોન્ટાઇન કરાયા હોવાની માહિતી આપી હતી.
આ સાથે જ જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ મીડિયાથી ભાગતા હતા અને ફોન ઉઠાવતા ન હોવાની ફરિયાદ પત્રકારોએ કરતા કલેકટરે કોરોના સંદર્ભે આરોગ્ય વિભાગની તેમજ પોલીસ વિભાગની માહિતી રોજ જિલ્લા માહિતી વિભાગને બ્રિફિંગ આપવાની વ્યવસ્થા ગોઠવવાની ખાતરી આપી હતી.