નવસારી: ચીખલી તાલુકાના ઘેટકી ગામના મહિલા સરપંચ રણજીતાબેન ગામમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા. જેઓ ગામની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં અને વિકાસમાં અગ્રેસર રહેતા હતા. ખૂબ નાની ઉંમરમાં સરપંચ બનતા તેઓ ગામમાં ખૂબ લોકપ્રિય હતા. પરંતુ રણજીતાબેન શુક્રવાર સાંજના પોતાના ઘરમાં એકલા જ હતા અને તેઓના પતિ જીઇબીમાં ફરજ બજાવતા હોય તેઓ તે સમયે ઘરે હાજર ન હતા ત્યારે મહિલા સરપંચે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી.
તબીબોએ મૃત જાહેર કર્યા: જાણ થતાં પરિજનો દ્વારા રણજીતાબેનને સારવાર અર્થે નજીકમાં જ આવેલા નાદરખા ગામની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર રહેલા તબીબોએ તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. જેની જાણ વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા મહિલા સરપંચના પરિજનો તેમજ ગામ આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પર પહોંચ્યા હતા. મહિલા સરપંચ રણજીતાબેનને પરિવારમાં બે બાળકો છે જે નાની ઉંમરમાં માતા વિહોણા બન્યા છે.
ગામમાં શોકનો માહોલ: સમગ્ર ઘટનાની જાણ ચીખલી પોલીસ સ્ટેશનને થતા ચીખલી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થાળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. ઘેટકી ગામના લોકપ્રિય સરપંચના મૃત્યુના સમાચારથી હાલ ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
વધુ તપાસ હાથ ધરાઈ: સમગ્ર ઘટના મુદ્દે તપાસ કરતાં અધિકારી એમ કે ગામીત જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઘટનાની જાણ જેવી પોલીસ વિભાગને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો મેળવી પેનલ પીએમમાં મોકલી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.