નવસારીઃ જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. ડાંગર પકવતા ખેડૂતો ચાતક નજરે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે લાંબા સમયથી હાથ તાળી આપી રહેલો વરસાદ છેલ્લા અઠવાડિયાથી અવિરત વરસતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો કે, જલાલપોરના છીણમ ગામના ખેડૂતોની ખુશી અવિરત વરસાદથી દુ:ખમાં ફેરવાઈ છે. ઉપરના ગામોમાંથી આવતું વરસાદી પાણી છીણમના 15 થી વધુ ખેડૂતોની 200 વીઘાથી વધુ ખેતીની જમીનમાં ભરાયું છે. આટલા દિવસો વીતવા છતા પાણીનો નિકાલ ન થવાને કારણે ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવું પડે છે.
આ ઉપરાંત સીમળ ગામ જવાનો રસ્તો બનતા, છીણમ ગામની નહેરની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટેનો 3 ફુટનો પાઇપ કાઢીને 2 ફુટનો પાઇપ મુકવામાં આવતા, ખેડૂતોની સમસ્યામાં વધારો થયો છે. સાથે જ ખાંજણમાં બનેલા તળાવો પણ એક કારણ હોવાનું ખેડૂતોનો આક્ષેપ છે.
ખેડૂત કિશોર નાયકે આ વર્ષે 1.28 લાખ ખર્ચીને ડાંગરના પાકની રોપણી કરી હતી. પરંતુ વરસાદી પાણીના ભરાવાને કારણે તેમણે આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે અને દેવાદાર બની રહ્યા છે. છીણમ ગામના અંદાજે 200 વીઘા ખેતરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન ગત 21 વર્ષોથી થઈ શક્યું નથી.
ખેડૂત કિશોર નાયકે જિલ્લા કલેક્ટરથી માંડી ધારાસભ્ય, સાંસદ અને મુખ્યપ્રધાન સુધી ફરિયાદ કરી છે, પરંતુ તંત્ર છે કે, તેના પેટનું પાણી હાલતુ નથી. સમગ્ર મુદ્દે અંબિકા સિંચાઈ વિભાગ ડ્રેનેજ વિભાગને ખો આપી રહ્યુ છે, જ્યારે ડ્રેનેજ વિભાગે પ્રથમ તળાવને કારણે સમસ્યા હોવાનો રાગ આલાપ્યો હતો. પરંતુ બાદમાં નવ નિયુક્ત કાર્યપાલક ઇજનેરે છીણમ ગામે વરસાદી પાણીના ભરાવાના નિકાલ માટેના કામનો એસ્ટીમેંટ કઢાવી ઉપરી કક્ષાએથી મંજૂરી મેળવી આવતા ચોમાસા પૂર્વે સમસ્યાના સમાધાનની કેફિયત રજૂ કરી હતી.