નવસારી: સત્ય અને અહિંસાથી અંગ્રેજોને હચમચાવનારા મહાત્મા ગાંધીજી જન્મથી લઇ મૃત્યુ સુધી જ્યાં જ્યાં રહ્યા હતા, એ તમામ ઇમારતો અને તેની સાથેની માહિતી સાથે સુરતના ચિત્રકારે તૈયાર કરેલા 100 થી વધુ ચિત્રોના અમુલ્ય ધરોહર સમાન યુનિક આલબમને ગાંધી વિચારોથી અભિભૂત નવસારીના ઇતિહાસકારે, ચિત્રકાર પાસેથી ખરીદીને સાચવ્યા છે. જેથી લોકો ઐતિહાસિક ઇમારતોના ચિત્રો થકી ગાંધી જીવનને જાણી શકે.
મહાત્મા ગાંધીજીએ અંગ્રેજી હુકુમત સામે સત્ય અને અહિંસાના હથિયારોથી સત્યાગ્રહો કરીને ભારતને આઝાદી અપાવી હતી. જેને માટે લોક જાગૃતિ અર્થે ગાંધીજી ભારતના ઘણા રાજ્યોમાં ગયા હતા અને ઘણા સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજોએ તેમને પકડી ભારતની અલગ-અલગ જેલોમાં રાખ્યા હતા. મહાત્મા જે જે સ્થળોએ અને જ્યાં જયાં રહ્યા હતા, એ સર્વે ઇમારતો આજે ઐતિહાસિક અમુલ્ય ધરોહર બની છે અને એમાં મહાત્માની ઘણી યાદો આજે પણ સચવાયેલી છે. આ ઐતિહાસિક ઇમારતોને સુરતના ચિત્રકાર બળવંત રાઠોડે પેપર પર ચિત્રિત કરી છે. જેમાં બાપુના જન્મ સ્થળથી લઇ રાજકોટનું ઘર, અમદાવાદનો સાબરમતી આશ્રમ, બારડોલીનો સ્વરાજ આશ્રમ, દાંડીનું ઐતિહાસિક સૈફીવિલા, કરાડીની ઝૂંપડી સહિત મદ્રાસ, કેરાલા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળના શહેરો અને ગામડાઓમાં સત્યાગ્રહ સમયના મકાનો કે આઝાદી કાળના ક્રાંતિકારીઓના ઘરો તેમજ સત્યાગ્રહ દરમિયાન અંગ્રેજોએ તેમની ધરપકડ કરી જે જેલોમાં રાખ્યા હતા, એ જેલોનો સમાવેશ થાય છે.
100 થઈ વધુ ઇમારતોના ચિત્રો સાથે મહાત્મા ગાંધીજી ક્યારે ત્યાં રહ્યા હતા, એ જગ્યા સાથેની માહિતી પણ આપવામાં આવી છે. ગાંધી બાપુના જીવન સાથે સંકળાયેલી આ તમામ ઇમારતોના ચિત્રોના બે વિશિષ્ટ સંપૂટ ( યુનિક આલબમ ) ને ચિત્રકાર બળવંત રાઠોડની પાસેથી ગાંધી પ્રેમી અને નવસારીના ઇતિહાસકાર કેરસી દેબૂએ મહાત્મા પ્રત્યેના પ્રેમ તથા ભવિષ્યમાં અમૂલ્ય ધરોહર બની રહે એવા ઉમદા વિચાર સાથે 1 લાખ રૂપિયામાં ખરીદયા હતા. કેરસી દેબૂએ ગાંધીજી સાથે સંકળાયેલી ઇમારતોના આલબમને સાચવીને રહ્યા છે. જેથી ગાંધી પ્રેમીઓ બાપુ ક્યાં ક્યાં રહ્યા હતા અને હેરિટેજ મહત્વ ધરાવતી ઇમારતો વિશે લોકો જાણી શકે એવી આશા વ્યક્ત કરવા સાથે જ તેમણે આ ચિત્રોને ગાંધી પ્રેમીઓ માટે સત્યાગ્રહ સ્મારકની પ્રદર્શનીમાં આપવાની તૈયારી પણ દર્શાવી છે.