નવસારી: કોરોનાની મહામારીમાં ભારત સરકારે જાહેર કરેલા લોકડાઉનમાં શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે. જેમાં પણ નવસારીમાં આવીને વસેલા પરપ્રાંતિય શ્રમિકોને રૂપિયા ખૂટતા ખાવા-પીવાની સમસ્યા ઉભી થતા તેઓ વતન જવા ઉતાવળા થયા હતા. લોકડાઉનના 40 દિવસો સુધી તો સરકારે શ્રમિકોને વતન જતા રોક્યા હતા, પરંતુ ભુખે મરવાનો વારો આવતા શ્રમિકોની ધીરજ ખૂટી હતી અને વિરોધનો સુર છેડતા અંતે સરકારે પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન મોકલવા વિશેષ ટ્રેનો દોડાવવાની શરૂઆત કરી છે. જેમાં આજે શનિવારે સાંજે નવસારી રેલવે સ્ટેશનેથી 1163 પરપ્રાંતિય શ્રમિકો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવા રવાના થયા હતા.
નવસારીમાં વસેલા 4 હજારથી વધુ પરપ્રાંતીય શ્રમિકોએ પણ પોતાના રાજ્યમાં જવા માટે નોંધણી કરાવી હતી. જેને ધ્યાને લઇ નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેલવે મંત્રાલયમાં 4 વિશેષ ટ્રેનોની માંગ કરી હતી. જેમાં ઉત્તરપ્રદેશ માટે બે અને બિહાર માટે એક ટ્રેનની મંજૂરી મળી હતી. જેમાંથી આજે શનિવારે નવસારી રેલવે સ્ટેશનથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સુધીની ટ્રેન મળી હતી. જેમાં નવસારી જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમાં વસેલા કુલ 1163 પરપ્રાંતિય શ્રમિકોને તેમના વેતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ટ્રેન સાંજે 5 વાગ્યે નવસારીથી ઉપડી હતી, પરંતુ એ પૂર્વે જિલ્લાના પાંચ સ્થળોએ શ્રમિકોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જ્યાંથી તેમને એસટી બસોમાં સોશિયલ ડિસ્ટનસિંગના પાલન સાથે નવસારી રેલવે સ્ટેશને પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં બપોરે ત્રણ વાગ્યા અગાઉ આવેલી ટ્રેનમાં સોશિયલ ડિસ્ટનસિંગના તેમજ મોઢે માસ્કના નિયમોના પાલન સાથે શ્રમિકોને ટ્રેનમાં બેસાડયા હતાં. જયારે શ્રમિકોના ચહેરા પર ઘરે જવાની ખુશી જોવા મળી હતી.
રેલવે તંત્રએ મીડિયાકર્મીઓને કવરેજ કરતા રોક્યાનવસારી જિલ્લામાં વસેલા પરપ્રાંતિયોને આજે શનિવારે વિશેષ ટ્રેન દ્વારા તેમના વતન મોકલાયા હતા. જેનું કવરેજ કરવા નવસારીના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ નવસારી રેલવે સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પ્રથમ કવરેજ માટેની મંજૂરી ખુદ સ્ટેશન માસ્તરે આપી હતી. બાદમાં અચાનક પશ્ચિમ રેલવેના ડીઆરએમનો આદેશ હોવાનું જણાવી, લાઉડ સ્પીકર પર એલાઉન્સ કરી મીડિયા કર્મીઓને રેલવે સ્ટેશનથી બહાર નીકળી જવાની જાહેરાત કરતા કવરેજ કરવા પહોંચેલા મીડિયા કર્મીઓમાં રેલવે તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, સુરતમાં સાંસદ સીઆર પાટીલે ભાજપના ઝંડા સાથે કરેલ ફ્લેગ ઓફ તેમજ સુરત બાદ વલસાડમાં મીડિયા કર્મીઓ તથા કોંગ્રેસીઓ સાથે રેલવે પોલીસના ઘર્ષણને કારણે નવસારીમાં મીડિયા કર્મીઓને રોકવામાં આવ્યા હોવાના તર્ક વિતર્કો વહેતા થયા હતા.
રામ રોટી પરિવારને ફૂડ પેકેટ્સ વેંચતા પણ અટકાવ્યા
નવસારીથી પોતાના વતન જવા નીકળેલા પરપ્રાંતિયો માટે નવસારીના રામ રોટી પરિવાર દ્વારા રેલવેના અધિકારીઓ સાથે મૌખિક રજૂઆત બાદ ફૂડ પેકેટ્સ, બિસ્કિટ, ચોકલેટ અને બીસ્લરી પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. જેને રામ રોટીના સ્વયં સેવકોએ શ્રમિકો ટ્રેનમાં બેઠા બાદ પાણીની બોટલોના બોક્ષ અને ફૂડ પેકેટ્સ શ્રમિકોને રેલવેના ડબ્બામાં આપ્યા હતા. પરંતુ ટ્રેન ઉપાડવા પૂર્વે આગળના ચારથી પાંચ ડબ્બામાં આપતા રેલવે પોલીસે અટકાવ્યા હતા અને સ્વયં સેવકોને ખખડાવીને સ્ટેશન બહાર કાઢી મુક્યા હતા. જેને લઈને સેવા કરવા આવેલા રામ રોટી પરિવારમાં રેલવે તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.