- કોરોના મહામારીને ધ્યાને લેતા મહિનાથી અટવાયેલી સામાન્ય સભા zoom મિટીંગ પ્લેટફોર્મ પર મળશે
- સામાન્ય સભામાં પાલિકાની વિવિધ 16 સમિતિઓની રચના સાથે પ્રમુખની પણ થશે નિયુક્તિ
- સામાન્ય સભામાં એજન્ડાના 56 કામો ઉપર થશે ચર્ચા
નવસારી: નવસારી-વિજલપોર નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર સોમવારે ઓનલાઈન ઝૂમ મીટિંગ પ્લેટફોર્મ પર પાલિકાની વર્ચ્યુઅલ સામાન્ય સભા યોજાશે. જેમાં પાલિકાની વિવિધ 16 સમિતિઓની રચના અને તેના પ્રમુખોની વરણી તેમજ શહેર વિકાસના એજન્ડાના 56 કામો ઉપર ચર્ચા બાદ મંજુરીની મહોર લગાવાશે.
પાલિકાની મહત્વની સમિતિના પ્રમુખ બનવા કોર્પોરેટરોનું લોબિંગ શરૂ
નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ મળનારી સામાન્ય સભા કોરોનાને કારણે અટવાઈ પડી હતી. પાલિકાની વિવિધ 16 સમિતિઓની રચના અને તેના પ્રમુખોની વરણી પણ અટવાતા શહેરના ઘણા વિકાસ કામો પણ અટવાઈ પડ્યા છે. હાલ ચોમાસું નજીક છે, ત્યારે જુના નવસારી અને વિજલપોર શહેર સહિત નવા શહેરમાં જોડાયેલા આઠ ગામડાઓની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટેની માંગ પણ ઉઠી રહી છે. જેમાં ખાસ કરીને પ્રિમોન્સુન કામગીરી ધીમી ગતિએ ચાલતા શહેરની મોટાભાગની જગ્યાઓમાં વરસાદી પાણીનો ભરાવો થવાની સંભાવના સેવાઈ રહી છે. જેને લઇને વિવિધ વિસ્તારના લોકો દ્વારા પાલિકામાં રજૂઆતો પણ થઈ છે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા ખાતે “આત્મીય પોઝિટિવ કેર”- પોસ્ટ કોવિડ સેન્ટરનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો
કોરોનાને કારણે ગત એક મહિનાથી પાલિકાની સામાન્ય સભા અટવાઈ રહી હતી
કોરોનાને કારણે ગત એક મહિનાથી પાલિકાની સામાન્ય સભા અટવાઈ રહી હતી. જે હવે કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં લઇ સોમવારે સાંજે 4:30 વાગ્યે ઓનલાઈન zoom મીટીંગ પ્લેટફોર્મ પર મળશે. પાલિકાની આ પ્રથમ અને ઐતિહાસિક કહી શકાય એવી વર્ચ્યુઅલ સામાન્ય સભા મળી રહી છે. જેમાં પાલિકાની વિવિધ 16 સમિતિઓની રચના કરવા સાથે તેના પ્રમુખોની પણ નિયુક્તિ કરવામાં આવશે. જેને ધ્યાને લઇ ભાજપના કોર્પોરેટરોમાં લોબિંગ શરૂ થઇ છે. જોકે કારોબારી સમિતિના પ્રમુખ પદે અગાઉથી જ નવસારી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિન કાસુન્દ્રાના નામની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ બાંધકામ સમિતિ અને ટીપી સમિતિ જેવી મહત્વની સમિતિઓનો તાજ કોના માથે મૂકવામાં આવે છે એ જોવું રહ્યું.
આ પણ વાંચો: લાલુ પ્રસાદ યાદવની આજે RJDના 140 ઉમેદવારો સાથે વર્ચ્યુઅલ મીટિંગ
શહેરીજનો માટે 19 લાખના ખર્ચે AC એમ્બ્યુલન્સ ખરીદવાનું આયોજન
પાલિકાની પ્રથમ વર્ચ્યુઅલ સામાન્ય સભામાં અલગ-અલગ સમિતિઓ હેઠળ આવતા કુલ 56 કામો એજન્ડા પર લેવામાં આવ્યા છે. જેમાં કોરોના કાળમાં શહેરીજનો માટે અંદાજે 19 લાખ રૂપિયાના ખર્ચે એસી એમ્બ્યુલન્સ વસાવવાનું કામ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અને પાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં રીપેરીંગ અને રંગ-રોગાનનું કામ, શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવાનું અને પેચવર્કનું કામ, ચોમાસા દરમિયાન રસ્તા પડતા ખાડાઓ ભરવા માટેના મટીરીયલ લેવાનું કામ, પાલિકાના વિવિધ વિભાગોના વાહનોના રીપેરીંગનું કામ, પાલિકા પ્રમુખની ગાડીનું રીપેરીંગનું કામ, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી કાંસની સફાઈ, પાણી અને ડ્રેનેજ લાઈનના શિફ્ટિંગના કામ સહિતના વિવિધ કામો ઉપર ચર્ચા બાદ મંજૂરીની મહોર લાગશે.
પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કે બહુમતીથી મંજૂરી!
જોકે અહીં ઉલ્લેખનીય છે કે, નવસારી વિજલપોર પાલિકાના 13 વોર્ડના 52 કોર્પોરેટરોમાંથી 51 કોર્પોરેટરો ભાજપી છે. જ્યારે એક મહિલા કોર્પોરેટર કોંગ્રેસના છે. જેથી પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા થાય છે કે પછી બહુમતીના જોરે તમામ કામોને મંજૂરી મળી જાય છે એ જોવું રહ્યુ.