- ગરીબ પરિવાર ઘરની સુખ-શાંતિ મેળવવા જતા ઘરની ઇજ્જત ખોઇ બેઠો
- તાંત્રિક વિધિમાં પોતાને શિવ અને પીડિતાને પાર્વતી ગણાવી આચરતો દુષ્કર્મ
- બંને બહેનો સાથે દુષ્કર્મ આચરતા પોલીસે કરી ધરપકડ
નવસારી :એક પરપ્રાંતિય પરિવારે અંધશ્રધ્ધામાં પડી, પોતાની બે દિકરીઓની જીંદગી બગાડી છે. આર્થિક સ્થિતિ સુધારવા સાથે જ દિકરીઓના ભવિષ્યની ચિંતામાં અટવાયેલા ઘરના મોભી મહારાષ્ટ્રના નંદુરબારના અને પોતાને શિવ ભક્ત ગણાવતા તાંત્રિક વિષ્ણુ નાઈકની જાળમાં ફસાયા હતા. વિષ્ણુએ ઘરમાં શેતાનનો વાસ હોવાથી દિકરીઓનો સંસાર સફળ ન થઇ શકે, જેથી તાંત્રિક વિધિ કરવા માટે પીડિતાના પિતાને ચમત્કારોના વીડિયો બતાવી વિશ્વાસમાં લીધો હતો. આ સાથે જ વિધિ માટે સાસરેથી આવી રહેલી દિકરીને નંદુરબાર તેની પાસે મુકી જવા કહ્યુ હતુ.
બંને બહેનો સાથે દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી
દિકરીને તાંત્રિક પાસે મૂક્યા બાદ તાંત્રિક થોડા દિવસો સુધી તેની ઇજ્જત સાથે તંત્ર-મંત્રના નામે રમતો રહ્યો હતો. જ્યાં પીડિતાની તબિયત બગડતા, તેને નવસારી મોકલી હતી. પરંતુ હવસખોર વિષ્ણુ નાઈકે તાંત્રિક વિધિ બાકી હોવાનું કહી ફરી, તેને બોલાવી હતી. હવસખોર વિષ્ણુ પાસે જવાની પીડિતાએ ના પાડી દેતા, વિષ્ણુએ પીડિતાના પિતાને ગભરાવી પરિવારની સગીર દિકરીને વિધિ પૂર્ણ કરવા બોલાવી હતી. જેને વાતોમાં લઇને ભોળવી, પોતાને શિવ અને સગીરાને પાર્વતી બનાવી હતી, અને શિવ-પાર્વતીના મિલનથી ઘરની તમામ સમસ્યાનું સમાધાન થશે. તેવું જણાવી પીડિતા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો. બાદમાં સગીરાને લગ્નની લાલચ આપી ઘરે મોકલી આપી હતી.
બે મહિના બાદ બંનેની તબિયત બગડતા નોંધાઇ પોલીસ ફરિયાદ, તાંત્રિકની ધરપકડ
સમય વિતતા બંને બહેનોની તબિયત બગડી અને ચિકિત્સકીય તપાસ કરાવતા ગર્ભવતી હોવાનુ બહાર આવતા પરિવાર ગભરાય ગયો હતો. તાંત્રિક વિષ્ણુ સામે ફરિયાદ કરવાની તૈયારી કરતા જ સગીરાએ વિષ્ણુને જાણ કરી હતી. જેથી વિષ્ણુના સાગરીતો સુરેશ અને અબ્દુલ પઠાણ સગીરાને લઇ વિષ્ણુ પાસે મુકી આવ્યા હતા. જોકે, સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસ મથકે પીડિતાના પિતાની ફરિયાદ બાદ ગણદેવી પોલીસે નંદુરબારથી પીડિતા અને તાંત્રિક વિષ્ણુ નાઈકને ઝડપી પાડ્યા હતા. જયારે પોલીસે હવસખોર તાંત્રિક સહિત તેના બે સાગરીતો નવસારીના સુરેશ અને અબ્દુલની પણ ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.