નવસારીઃ જિલ્લો કોરોના મુક્ત બન્યા બાદ જિલ્લામાં પડોશના મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવેલા 6 લોકો કોરોના પોઝિટિવ આવતા જિલ્લા તંત્ર સજાગ બન્યુ છે.
જેમાં રાજ્ય સરકારે આંતર જિલ્લામાં આવન-જાવનની મંજૂરી આપતા તંત્ર દ્વારા ગુરુવારથી નવસારીનાં પ્રવેશ દ્વાર ગ્રીડ ખાતે બહારના જિલ્લાઓથી આવનારા વાહનચાલકોનું થર્મલ સ્ક્રીનીગ કરવા સાથે શંકાસ્પદ પ્રવાસીના વાહનોની નોંધણી તેમજ 11 પ્રવાસીના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ પણ લેવામાં આવ્યા હતાં. ગુજરાતમાં સરકાર દ્વારા આપવામાં આવેલી આંતર રાજ્ય અને જિલ્લામાં આવન-જાવનની મંજૂરી આપતા નવસારીમાં ઘણા લોકો આવ્યાં છે.
જેમાં ત્રણ દિવસોમાં જ નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ 6 કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યુ છે. જેમાં ગુરુવારે નવસારી પ્રાંત અધિકારીનાં આદેશ મુજબ નવસારી જિલ્લામાં પ્રવેશ કરનારા આંતર જિલ્લાના વાહનચાલકોને નવસારીના પ્રવેશદ્વાર ગ્રીડ પાસે ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા અટકાવામાં આવ્યા હતાં.
જ્યાં આરોગ્ય ટીમે વાહનમાં બેઠેલા પ્રવાસીઓના રેન્ડમ સેમ્પલ લીધા હતા. સાથે જ દરેક પ્રવાસીનું થર્મલ સ્ક્રીનીંગ કરી તેમના વાહનનો નંબર નોંધીને નવસારીમાં પ્રવેશ અપાયો હતો. જેમાં ગુરુવારે અન્ય જિલ્લામાંથી આવેલા 100થી વધુ લોકોનું થર્મલ સ્ક્રીનીંગ કરાયુ હતું અને 11 પ્રવાસીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ પણ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, નવસારીમાં છેલ્લા ત્રણ દિવસોમાં અચાનક 6 કોરોના પોઝિટિવ કેસો મળતા તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. સાથે જ અન્ય જિલ્લાઓમાંથી આવનારા વાહનો અને તેમાં સવાર પ્રવાસીઓને કડક પૂછપચ્છ સાથે જ તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં જરૂર જણાય તો જાહેરનામા ભંગનાં કેસો પણ કરવામાં આવશે.