નવસારી: નવાગામ ગામના કેયુર નરેશ પટેલ (29) ગત રોજ મકરસંક્રાંતિની બપોરના 2 વાગ્યએ પોતાની લાડલી વિહાના (5) સાથે ઘરેથી કોઈને પણ કહ્યા વિના પોતાની બાઇક પર નીકળી પડ્યો હતો. કેયુર ઘરેથી નીકળી નવસારી-ગણદેવી માર્ગ પર સોનવાડી ગામની અંબિકા નદીના કિનારે પહોંચ્યો હતો, જ્યાં કોઇક વાતે હતાશ કેયુરે પ્રથમ પોતાનું પર્સ અને મોબાઇલ ફોન પોતાની બાઇકની ડીકીમાં મુક્યા હતા, ત્યારબાદ દિકરી વિહાના અને પોતાના ચપ્પલ કિનારે ઉતારી, કેયુરે વિહાના સાથે નદીમાં ઝંપલાવી (Suicide case Navsari) દીધુ હતુ.
24 કલાક બાદ પિતા-પુત્રીના મૃતદેહ મળ્યાં
કેયુર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી અને સાંજે સોનવાડી પુલ નીચે અંબિકાના કિનારે કેયુરની બાઇક જોતા આંચકો લાગ્યો હતો. સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસને જાણ કરતા પોલીસ (Ganadevi Police) ઘટના સ્થળે પહોંચી હતી અને નવસારીના તરવૈયાની મદદથી નદીમાં પિતા-પુત્રીના મૃતદેહને શોધવાની કામગીરી આરંભી હતી. જેમાં 24 કલાકની જહેમત બાદ તરવૈયાઓને સફળતા મળી હતી.
મૃતદેહને પોલીસે પીએમ અર્થે ખસેડ્યા
આજે શનિવારની બપોરે કેયુર અને તેની પુત્રી વિહાનાના મૃતદેહને શોધી બન્નેના મૃતદેહને પોલીસે પીએમ અર્થે ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી, ત્યારબાદ પોલીસ મથકના ચોપડે આપઘાતનો ગુનો નોંધી તપાસ આરંભી છે.
લોક ચર્ચા પ્રમાણે કોઇક વાતે ઘરમાં કંકાસ ચાલતો હતો
નવાગામના કેયુર પટેલ તેની દિકરી વિહાનાને ઘણો પ્રેમ કરતો હતો, પરંતુ લોક ચર્ચા પ્રમાણે કોઇક વાતે ઘરમાં કંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળી કેયુર પોતાનું જીવન ટુંકાવવાનો નિર્ણય લઇ ચુક્યો હતો, પરંતુ વહાલી દિકરીને એકલી મુકવા માંગતો ન હતો. જેથી પોતાની સાથે વિહાનાને પણ સાથે લઇ અને અંબિકા નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી.
ઉપસરપંચ ભરત આહિરે સુખી પરિવાર હોવાનું જણાવ્યું
નવાગામના ઉપસરપંચ ભરત આહિરે સુખી પરિવાર હોવાનું જણાવ્યું હતું. કેયુરને ફરવાનો શોખ હતો અને ઘણીવાર આ રીતે ફરવા નિકળી પડતો હતો. કાલે પણ દિકરીને સાથે લઇ નદીએ ફરવા ગયો હોવો જોઇએ, જ્યાં નદી કિનારે પગ લપસતા બન્ને પાણીમાં ગરકાવ થતા ડૂબી ગયા હોવાની આશંકા ભરત આહિરે સેવી હતી.
આ પણ વાંચો:
Cannabis seized from Morbi: વાંકાનેર નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા