નવસારી: જિલ્લામાં વર્ષોથી પરંપરાગત રીતે શેરડીનું વાવેતર કરતા ખેડૂતે બદલાતા વાતાવરણમાં રોપણી બાદ યોગ્ય રીતે પિલાણ ન થાય, તો ફેર રોપણી કરવી પડે છે. જેના કારણે ઉત્પાદન મોડું થવાથી ખેડૂતોમે આર્થિક નુકસાની વેઠવી પડે છે. જેથી નવસારીના વાડા ગામના ખેડૂત વિમલ પટેલે નાગધરના ખેડૂત ચિરાગ પટેલ સાથે મળી શેરડી પકવતાં ખેડૂતોની સમસ્યાનું સમાધાન આધુનિક પદ્ધતિ થકી શેરડીના રોપામાં શોધ્યું છે.
સંબંધમાં સાળા-બનેવીની જોડીએ નવસારીના નાગધરા ગામે શેરડીના રોપા ઉછેરવાનું યુનિટ સ્થાપી શેરડી રોપણીને લઈ ખેડૂતોની ચિંતાને હળવી કરી છે. જેમાં શેરડીની ઉચ્ચ જાતની ગાંઠના ટુકડા પ્લાસ્ટિકની ટ્રેમાં કોકોપીટ સાથે ગોઠવી ટ્રે તૈયાર કરાય છે. જેને ગ્રીન હાઉસમાં પ્રોસેસ અનુસાર અંદાજે 25 દિવસ રાખી શેરડીના રોપા તૈયાર કરાય છે. શેરડીના રોપાના વાવેતરથી પાણી અને ખાતર ઓછું અને મજૂરીમાં પણ ફાયદો થાય છે. જેથી ખેડૂતનો ખર્ચ બચવા સાથે જ પીલાણ આવશે કે નહીં એની ચિંતા પણ ઘટી જાય છે. જેના કારણે ઉત્પાદન વધવા સાથે જ સમયસર કાપણી થવાથી આવકમાં પણ વધારો થવાની સંભાવના રહે છે. હાલ તેમણે 5 લાખ રોપા તૈયાર કરી સાપ્ટેમ્બરમાં રોપણી સમય સુધીમાં ખેડૂતોને તેમનાં ખેતર સુધી પહોંચાડવાની યોજના બનાવી છે.
બદલાતા વાતાવરણની અસરથી ખેતીને બચાવવા ખેડૂતોએ આધુનિક પદ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો પડશે. વિમલ અને ચિરાગે પરંપરાગત બિયારણને બદલે રોપા બનાવી નવું સાહસ ખેડ્યું છે. જો કે, સુગર ફેક્ટરી દ્વારા મળતાં શેરડીના બિયારણના ભાવે જ શેરડીના એક આંખીયા રોપાઓ ખેડૂતોને મળી રહે એવી વ્યવસ્થા ગોઠવી છે, જ્યારે ઘણા ખેડૂતો પોતે પણ આ પ્રકારના રોપા પોતાના ખેતર માટે બનાવતા થયા છે. જેથી શેરડીમાં નવી પદ્ધતિથી રોપા તૈયાર કરી તેના વાવેતરને કૃષિ નિષ્ણાંતો સહિત ખેડૂત આગેવાનો પણ આવકારી રહ્યા છે.
ગ્લોબલ વોર્મિંગની અસરથી બદલાતું ઋતુચક્ર ખેતી પાકો પાર અસર કરવા સાથે જ ખેડૂતને આર્થિક નુકસાનીમાં પણ મૂકી દે છે, ત્યારે વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિ ખેડૂતોને બદલાતા વાતાવરણથી ખેતી બચાવવામાં કારગર સાબિત થઈ શકે છે.