સુરતમાં બનેલી કરૂણ ઘટના પછી તંત્ર મોડું મોડું જાગ્યું અને તમામ ટ્યુશન ક્લાસને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આ ટ્યુશન બંધ કરી દેવાના નિર્ણયથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે ધોરણ-12 કોમર્સમાં અભ્સાસ કરતી રિયા રાઠોડ જે હાલમાં 11 ધોરણ પાસ કરીને 12માં આવી અને વેકેશન બેચ શરૂ કર્યા હતા, પરંતુ થોડા સમય ટ્યુશન ચાલ્યા પછી બંધ કરવાનો નિર્ણય લેવાતા રિયાના ભણતર પર ખરાબ અસર જોવા મળી રહી છે.
ટ્યુશનમાં વેકેશન દરમિયાન 50 ટકા કોર્સ પૂરો કરી દેવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાનો વધુ સમય મળે, પરંતુ સુરતની ઘટનાએ વિદ્યાર્થીઓના અભ્યાસ પર જાણે કે બ્રેક લગાડી દીધી હોય એવું લાગી રહ્યું છે. પાલિકા દ્વારા નવસારી અને વિજલપોર મળીને 54થી વધુ ટ્યુશન ક્લાસિસને સીલ કરી દેવામાં આવ્યા હતા. ટ્યુશન સંચાલકોને ફરી ટ્યુશન ક્લાસ શરૂ કરવા માટે સુરત સુધી NOC લેવા જવાનું કહેતા સંચાલકો અને વિદ્યાર્થીઓ બંને અટવાઈ રહ્યાં છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓની માગ છે કે, ટ્યુશન જલ્દીથી જલ્દી શરૂ થાય જેને લઈને અભ્સાસ પર તેની ખરાબ અસર થઈ શકે નહીં.