નવસારી: આવનારી 2024ની લોકસભા ચૂંટણીને લઈ દરેક રાજકીય પક્ષોએ કવાયત શરૂ કરી છે. ચૂંટણીમાં જીત માટે દરેક પક્ષોએ જે-તે ક્ષેત્રમાં બેઠકો શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસના દક્ષિણ ગુજરાત લોકસભા બેઠકોના પ્રભારી ઉષા નાયડુ નવસારી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરી હતી.
સંગઠનને બેઠું કરવાના ભાગરૂપે બેઠક: ઉષા નાયડુ નવસારી પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી ઉષા નાયડુનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આગામી લોકસભા ચૂંટણી લઈ સંગઠનને બેઠું કરવાના ભાગરૂપે પ્રભારી ઉષા નાયડુએ કોંગી કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરી હતી. જેમાં બેઠકમાં આવેલા કાર્યકર્તાઓને સંબોધતા આ તબક્કે તેમણે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ સારું રહેવાનો દાવો કર્યો હતો.
પૂરની સ્થિતિને ગણાવી ગંભીર બેદરકારી: નવસારી ખાતે પ્રભારી નાયડુએ ગુજરાત સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. વડોદરા ભરૂચ સહિતના વિસ્તારોમાં નિર્માણ થયેલી પૂરની સ્થિતિને તેમણે રાજ્ય સરકારની ગંભીર બેદરકારી ગણાવી હતી. તેમજ નદીઓમાં છોડાયેલા પાણી અંગે યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી.
' હાલ હું દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છું. જેમાં કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેથી હું કહી શકું છું કે આવનારી લોકસભા ઇલેક્શનના રીઝલ્ટ અમારી તરફેણમાં આવશે. બીજી તરફ ભરૂચ, અંકલેશ્વરમાં જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને લઇને કોંગ્રેસે જ્યુડિશિયલ ઇન્કવાયરીની માંગ કરી છે. ' - ઉષા નાયડુ, પ્રભારી, દક્ષિણ ગુજરાત લોકસભા