- ટાવર, મોટા બજાર સહિતના વિસ્તારોમાં દુકાનો ખોલવામાં આવતા થયો જાહેરનામાનો ભંગ
- પોલીસે તાત્કાલીક બજારમાં દુકાનો બંધ કરાવી
- વિવિધ વેપારી મંડળોએ પાલિકા પ્રમુખ સાથે ટાઉન પીઆઇને કરી રજૂઆત
નવસારીઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ વધારો થઈ રહ્યો છે. જેને જોતા જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ રાજ્ય સરકાર દ્વારા ફક્ત નવસારી, વિજલપોર શહેરમાં રાત્રી કરફ્યૂં સાથે દિવસ દરમિયાન પણ લોકડાઉનના નિયંત્રણો લગાવ્યાં છે. જેમાં વધુ એક અઠવાડિયું આંશિક લોકડાઉન વધારતા નવસારી-વિજલપોર શહેરના વેપારીઓની આર્થિક સ્થિતિ બગડી રહી છે. શહેરમાં ઘણા વેપારીઓ દુકાનોના શટર બંધ કરી પાછલે બારણેથી પોતાનો વેપાર કરી રહ્યા છે, જ્યારે કેટલાક વેપારીઓ પોલીસને અવળે પાટે ચડાવી હોમ ડિલિવરીના નામે પણ ધંધો કરી રહ્યા છે.
રજૂઆતને ઉચ્ચ સ્તરે મોકલી સકારાત્મક પ્રતિભાવ આપવાનો PI એ પ્રયાસ કર્યો
ત્યારે રેડીમેડ હોઝિયરી, વાસણ, જ્વેલર્સ, સ્ટેશનરી જેવા વેપાર-ધંધા શરૂ ન થતાં વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. ગત રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યાં બાદ આર્થિક મુશ્કેલી વેઠી રહેલા નવસારીના મોટા બજાર, ટાવર સહિતના વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો ખોલી દીધી હતી. જેની જાણ થતાં ટાઉન પોલીસે ઘટના સ્થળે પહોંચી દુકાનો બંધ કરાવી હતી. જેને લઈને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે, બાદમાં વેપારી મંડળના આગેવાનોએ ટાઉન પોલીસ મથકે પી. આઇ. મયુર પટેલને પોતાની સ્થિતિ વર્ણવી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની મંજૂરી મળે તેવી રજૂઆત કરી હતી. પી. આઈ. એ તેમની રજૂઆતને ઉચ્ચ સ્તરે મોકલી સકારાત્મક પ્રતિભાવ આપવાનો પ્રયાસ કર્યો હતો.
પાલિકા પ્રમુખે દુકાનોને બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રાખવાની કરી તરફેણ
નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે અને તેને રોકવા માટે સરકાર દ્વારા જે નિયંત્રણો લગાવવામાં આવ્યાં એ ફક્ત નવસારી વિજલપોર શહેરમાં લગાવવામાં આવ્યા છે. જેમાં પણ શહેરમાં ખાન-પાનની મોટાભાગની દુકાનો ચાલુ છે. શાકભાજી વેચનારાઓ રસ્તા પર સોશિયલ ડિસ્ટનસિંગ જાળવતા નથી. જેને કારણે કોરોનાના કેસ ઘટવાને બદલે વધી રહ્યા છે, ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખે પણ દુકાનો બપોર સુધી શરૂ રાખવામાં પોતાની સહમતિ દર્શાવી હતી. જોકે, તેમણે લોકો સમજતા ન હોવાનું પણ જણાવ્યું હતુ અને કોરોનાની સાંકળને તોડવી હોય તો સંપૂર્ણ લોકડાઉન કરવાની તરફેણ કરી હતી.
શહેરમાં દુકાનો બંધ છતાં લોકોની જોવા મળી રહી છે ભીડ
નવસારીમાં કોરોનાની સાંકળ તોડવા સરકારે નવસારી-વિજલપોર શહેરમાં આંશિક લોકડાઉન લગાડ્યું, પણ શહેરમાં દુકાનો બંધ રાખવા છતાં ભીડ ઓછી થવાનું નામ નથી લઇ રહી, ત્યારે વેપાર-ધંધાને બપોર સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે એવી માગ પ્રબળ બની રહી છે.