- RSSના યુવાનો દ્વારા સેવા કાર્ય
- દર્દી અને સ્વજનોને વીડિયો કોલ કરી મનોબળ વધારવામાં થઈ રહ્યા છે મદદરૂપ
- વીડિયો કોલથી દર્દીની સ્વજન સાથે વાત થતા સાજા થવાની વધી જાય છે સંભાવના
- પોતાની ચિંતા કર્યા વિના કોરોના દર્દીઓની કરી રહ્યા છે સેવા
નવસારી: જિલ્લામાં દિવસે-દિવસે વધતા કોરોના સંક્રમણ વચ્ચે નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં વાંસદા સહિતના અંતરિયાળ વિસ્તારમાંથી કોરોના દર્દીઓ નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેમાંથી ઘણા દર્દીઓ પાસે સ્માર્ટ ફોન કે ફોન પણ નથી હોતો અથવા તેમને ઉપયોગ કરતા આવડતું નથી હોતું. જેથી તેમના સ્વજનો સિવિલ હોસ્પિટલના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી દર્દીની ખબર અંતર પૂછતા હોય છે. બીજી તરફ દર્દીઓ સ્વજનોથી અલગ થતાં તેમની માનસિક સ્થિતિ બગડતી હોય છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે નવસારીના RSS ના યુવાનો દેવદૂત સમાન બન્યા છે.
આ પણ વાંચો: સુરત સિવિલ હોસ્પિટલમાં RSSના સ્વયંસેવકો કરી રહ્યા છે દર્દીઓની સેવા
દર્દી અને સ્વજનોની ખુશી જોઇને સેવા કર્યાનો આત્મસંતોષ પણ અનુભવાય છે
યુવાનો દ્વારા PPE કીટ પહેરીને કોરોના વોર્ડમાં જઈ, જે દર્દીઓ પાસે સ્માર્ટફોન નથી એમની તેમના સ્વજનો સાથે સ્માર્ટ ફોન ઉપર વીડિયો કોલ દ્વારા વાત કરાવે છે. જેના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે. વીડિયો કોલથી દર્દી અને સ્વજન વચ્ચે વાત થતાં બન્નેના ચહેરા ખીલી જાય છે. સાથે જ એમનું મનોબળ પણ વધે છે. જ્યાં વીડિયો કોલ કરનારા યુવાન પણ દર્દી અને સ્વજનોની વાતો સાંભળી અને ચહેરાની ખુશી જોઈ ભાવુક થઈ જાય છે.
દર્દીની રિકવરી પણ ફાસ્ટ થાય
RSSના સ્વયંસેવકોના જણાવ્યા અનુસાર, એક વૃદ્ધની વિદેશમાં રહેતી તેની દીકરી સાથે વાત કરાવતા વૃદ્ધની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા હતા. જ્યારે સ્વજનો સાથે વાત કર્યા બાદ કોરોના દર્દીની રિકવરી પણ ફાસ્ટ થાય છે. જ્યારે દર્દી અને સ્વજનોની ખુશી જોઇને સેવા કર્યાનો આત્મસંતોષ પણ અનુભવાય છે.
આ પણ વાંચો: ધંધુકામાં RSS દ્વારા ભૂમિ સુપોષણ કાર્યક્રમ અંતર્ગત ભૂમિપૂજન કરાયું
24 દિવસથી અવિરત સેવા આપી રહ્યા છે યુવાનો
નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી છે. સાથે સિવિલમાં મૃત્યુદર પણ વધ્યો છે. ત્યારે ઘણીવાર મૃત્યુ પામનારા કોરોના દર્દીને તેમના સ્વજનો જોવા પણ આવતા નથી અથવા ઘણા મૃતકોના સ્વજનો ક્વોરેન્ટાઈન હોય છે. આવા સમયે RSSના યુવાનોએ આગળ આવી મૃત્યુ પામનારા કોરોના દર્દીના મૃતદેહને કોરોના ગાઈડલાઈન સાથે સ્મશાન ભૂમિ પહોંચાડી, અંતિમ ક્રિયા પણ કરાવી છે. સાથે જ રોજના કોરોના દર્દીઓ માટે આવતા ટિફિનો પણ કોરોના વોર્ડમાં દર્દી સુધી પહોંચાડે છે અને દવા તેમજ અન્ય કોઈ જરૂરિયાત માટે પણ સેવા આપી રહ્યા છે. નવસારી RSSના અંદાજે 15 યુવાનો 24 દિવસોથી નવસારી સિવિલ હોસ્પિટલમાં પોતાની ચિંતા કર્યા વિના PPE કીટ પહેરી કોરોનાના દર્દીઓને સેવા આપી રહ્યા છે.