નવસારીઃ કોરોના મહામારીએ પોતાનું વિકરાળ રૂપ બતાવવાનું શરૂ કર્યું છે, જેમાં નવસારી જિલ્લામાં પખવાડિયામાં કોરોનાના કેસો વધીને 250ને પાર પહોંચતા જિલ્લા તંત્ર સતર્ક થયું છે. જેને કારણે કોરોનાની અસર હવે સાર્વજનિક અને ધાર્મિક તહેવારો પર જોવા મળી રહી છે. જિલ્લામાં દશામાંના વ્રતની તૈયારીઓ વચ્ચે શુક્રવારે જિલ્લા કલેક્ટરે દશામાંની મૂર્તિઓની બનાવટ, વેચાણ સાથે શોભાયાત્રા અને વિસર્જન પર પણ પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેમાં પણ પોલીસ દ્વારા ત્રણ દિવસોથી મૂર્તિઓના વેચાણ કરનારાઓને વેચાણ ન કરવાની સૂચના આપવામાં આવી રહી હતી. જેને લઈને ગણેશોત્સવની તૈયારી કરતા નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મૂર્તિકારો ચિંતામાં મુકાયા છે.
દક્ષિણ ગુજરાતમાં મૂર્તિકાર સંગઠન દ્વારા શનિવારે નવસારીમાં એક બેઠક કરવામાં આવી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના અંદાજે 200 મૂર્તિકારોએ ઉદ્દભવેલી સમસ્યા વિશે ચર્ચા કરી હતી. જેમાં સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના વધુ કેસો હોવા છતાં ગણેશોત્સવમાં 2 ફૂટ અને 5 ફુટની પ્રતિમાઓની છૂટ આપવામાં આવી છે, જેથી એજ પ્રમાણે નવસારી અને વલસાડ જિલ્લામાં પણ મૂર્તિ બનાવવા અને વેચાણની છૂટ આપવામાં આવે એવી માંગણી મૂર્તિકારો કરી રહ્યાં છે.
ગણેશોત્સવમાં શ્રીજીની પ્રતિમાઓ બનાવતા મૂર્તિકારો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય નિર્ણય કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જે સંદર્ભે અધિક જિલ્લા કલેક્ટર કમલેશ રાઠોડે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર નિર્ણય લે છે. ગણેશોત્સવ ઓગસ્ટ મહિનામાં છે અને 30 જુલાઈએ નવી ગાઈડ લાઈન જાહેર થશે. જેથી કેન્દ્રની ગાઈડલાઈન બાદ જ ગણેશોત્સવ અને મૂર્તિ બનાવવા કે વેચાણ મુદ્દે કોઈ નિર્ણય થઈ શકે છે, હાલમાં આ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી.