નવસારી: બાગાયતી પાકના વિસ્તાર તરીકે જાણીતો જિલ્લો એટલે નવસારી. અહીંના ખેડૂતો મુખ્ય પ્રમાણમાં કેરી, ચીકુ, શેરડી, શાકભાજી અને ફળોની ખેતી કરતાં હોય છે. પરંતુ ગણદેવી તાલુકાના ખાપરીયા ગામના ખેડૂત ધર્મેશભાઈ પટેલ પારંપરિક ખેતીથી વિપરીત સૌથી મૂલ્યવાન રક્ત ચંદન વૃક્ષની ખેતી કરી રહ્યા છે. 30 વર્ષથી ખેતી કરતાં ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વિવિધ વીડિયો જોઈને મને ચંદનની ખેતી કરવાનો વિચાર આવ્યો કારણ કે ચંદનની ખેતીમાં ઓછી મહેનતે વધુ વળતર મેળવી શકાય છે.
કેવી રીતે આવ્યો ચંદનની ખેતી કરવાનો વિચાર: હું છેલ્લા 30 વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું અને ખેતીમાં હંમેશા કંઈક નવીનતા કરવામાં માનું છું. પરંતુ મોંઘા ભાવનું બિયારણ અને મોંઘા ભાવનું રાસાયણિક ખાતર જેના કારણે જમીનની ફળદ્રુપતા પણ ગુમાવવાનો વારો આવતો હોય છે તો બીજી તરફ બદલાતા વાતાવરણની ખેતી પર મોટી અસરના કારણે ગુણવત્તાયુક્ત પાક ન મળતાં તેના બજાર ભાવો પણ યોગ્ય પ્રમાણમાં મળતા નથી. જેથી ખેડૂતે વારંવાર નુકસાની ભોગવવાનો વારો આવે છે. સોશિયલ મીડિયામાં વિવિધ વીડિયો જોઈને મને ચંદનની ખેતી કરવાનો વિચાર આવ્યો. કારણ કે ચંદનની ખેતીમાં ઓછી મહેનતે વધુ વળતર મેળવી શકાય છે.
'મેં આણંદ જિલ્લામાં આવેલી નર્સરીમાંથી સફેદ ચંદનના 35 રૂપિયા નંગના ભાવે 600 અને વલસાડના ગોઈમાં ગામથી લાલ ચંદનના 350 રૂપિયાના ભાવના 250 નંગ છોડ મંગાવી મારી સાડા ચાર વીઘા જમીનમાં પ્લાન્ટેશન કર્યું છે. જેમાં રક્ત ચંદનના છોડ બે વર્ષના થયા છે. જેની ઉંચાઈ 8થી 10 ફુટ અને વાઈટ ચંદનના છોડ છ મહિનાના થયા છે. જેની ઉંચાઈ 2 -3 ફુટ છે. જેમાં મને એક લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જે ભવિષ્યમાં મને લાખો રૂપિયાની આવક મેળવી આપશે એવી આશા છે. જેને હું મારી ફિક્સ ડિપોઝિટ ગણું છું. આ ખેતી શરૂ કરવા માટે વન વિભાગ દ્વારા મને 2000 સરૂના છોડ સબસિડીની યોજના હેઠળ આપવામાં આવ્યા છે.' - ધર્મેશ પટેલ, ચંદન ખેતી કરતાં ખેડૂત
ચંદન માટે અનુકૂળ જમીન: ચંદનની ખેતી માટે થયેલા રિસર્ચ અનુસાર સફેદ ચંદન અને લાલ ચંદનની ખેતી ગુજરાતમાં ખૂબ સારા પ્રમાણમાં થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ચંદનના વૃક્ષને અનુરૂપ જમીન હોવાથી સારી ગુણવત્તાવાળા ચંદનના વૃક્ષો થઈ શકે છે. ગુજરાતમાં 200 એકર જેટલા વિસ્તારમાં સફેદ અને લાલ ચંદનની ખેતી કરવામાં આવી રહી છે. ચંદનનો સૌથી સારો વિકાસ અને ઉત્પાદન નદીની લાલ કાપવાની જમીનમાં થાય છે. જમીન હંમેશા નિતારવાળી અને પાણી ભરાઈ રહે તેવી ન હોવી જોઈએ. ચંદન એ પાણી ભરાઈ રહે તેવી જમીનમાં થઈ શકતું નથી. વધારે પડતી કાળી જમીનમાં પણ તેનું ઉત્પાદન સારું મળતું નથી. જો સારી ગુણવત્તાવાળી જમીન હશે તો જ ઉત્તમ પ્રકારનું સુગંધિત લાકડું ઉત્પન્ન થઈ શકે છે પરંતુ આ બાબતે હજુ કોઈ ચોક્કસ પ્રમાણ મળી શક્યું નથી.
કેવી રીતે નક્કી થાય છે ચંદનની કિંમત: સફેદ ચંદન તેની અંદર રહેલ ઓઇલની ગુણવત્તા અને કેટલા પ્રમાણમાં ક્વોટિન્ટી છે તેના આધારે કિંમત નક્કી કરવામાં આવે છે, જ્યારે લાલ ચંદનની જે ગુણવત્તા તેના હાર્ટવૂડના કલરના ધોરણ મુજબ નક્કી થાય છે. ડાર્ક રેડ અને પિંકિશ રેડ હોય તો તેની ગુણવત્તા સારી ગણીને તેનો ભાવ સારો મળે છે, જ્યારે ડાક બ્રાઉન અને બ્રાઉન હોય તો તેની કિંમત ઓછી આવે છે. ચંદનના લાકડાનો ઉપયોગ કોસ્મેટિક બનાવટોમાં, દવાઓમાં, સુગંધી પદાર્થોમાં, પૂજામાં તેમજ ઘણી જગ્યાએ વપરાતું હોવાથી તેની બજાર કિંમત બહુ જ છે અને તે કિલોના ભાવે વેચી શકાય છે. એક કિલો લાકડાના આશરે બેથી ત્રણ હજાર રૂપિયા સુધી ગુણવત્તા અનુસાર મળી શકે છે. જો ઊંચી ગુણવત્તા વાળું લાકડું હોય તો કર્ણાટક સરકારના ભાવ મુજબ 6,500 સુધી મળી શકે છે.
ચંદનના વિકાસનો દર: ચંદનના લાકડાની જરૂરિયાતના ફક્ત 10% જેટલું જ ઉત્પાદન હાલ થાય છે. ચંદનના વૃક્ષોની ઊંચાઈ 8થી 10 મીટર સુધી વાઈટ ચંદનની ઊંચાઈ થઈ શકે છે. 15 થી 20 મીટર સુધી લાલ ચંદનની ઊંચાઈ થઈ શકે છે. જેમાં તેનો ભાવ વૃક્ષની ઉંમર અને વજન ઉપર નિર્ધારિત રહે છે. ચંદનના વૃક્ષોને તૈયાર કરવામાં લગભગ 10થી 15 વર્ષનો સમયગાળો લાગે છે. પ્રથમ આઠ વર્ષ સુધી કોઈ બાહ્ય સુરક્ષાની જરૂર પડતી નથી ત્યારબાદ તેમાંથી સુગંધ આવવાની શરૂઆત થઈ જાય છે.
જો ચંદનના વૃક્ષો 5 મી ×5 મી (400 વૃક્ષો હે.) ના અંતરે વાવવામાં આવે અને સાથે તેના યજમાન તરીકે વાવેલ વૃક્ષો જેવા કે શરૂ, કરંજ, બાવળ હોય તો આ સ્થળનો વાવેતરને 20-30 વર્ષ પછી જ્યારે તેનો ઘેરાવો 30 સેમીનો હોય ત્યારે તેની પસંદગી કરીને કાપવામાં આવે છે. જો આશરે 300 વૃક્ષ જીવતા હોય અને તેનો વાર્ષિક વધારો 1 કિ. ગ્રા. પર વૃક્ષ પર વર્ષે હોય તો તેમાંથી હાલના સરેરાશ આશરે 1500 રૂપિયા (ન્યૂનતમ ભાવ/ કિગ્રા) પ્રમાણે 4,50,000 પર હેક્ટર જેટલી અંદાજિત આવક દર વર્ષે મળી શકે છે.
ચંદનના વૃક્ષની કાપણીની ઉંમર | |
સફેદ ચંદન | 30થી 40 વર્ષ |
લાલ ચંદન | 30થી 35 વર્ષ |
ચંદનના વાવેતર માટે કાયદો: ચંદનની ખેતી કરવા સરકારની મંજૂરી લેવી પડે છે. વન ખાતાની કચેરીમાં અને પંચાયતમાં 7/12 ના દસ્તાવેજમાં નોંધણી કરાવી લેવી કાપડીની મંજૂરી વન વિભાગ ઠરાવ સવધ -1196- એમ -161- ગ. તા. 17-9-03 મુજબ ડાંગ જિલ્લા સિવાય બધા જિલ્લામાં માલિકી સર્વે નંબરમાં આવેલા ચંદન વૃક્ષ કાપવા માટે સક્ષમ અધિકારી પાસે મંજૂરી મેળવ્યા બાદ ખેડૂત પોતાની રીતે ખાનગી વેપારીઓ દ્વારા અથવા વન વિભાગ દ્વારા વેચાણ કરી શકે છે. ચંદનના રોપાની રોપણી બાદ ખેડૂતે સાતબારના ઉતારામાં તથા સ્થાનિક વન વિભાગમાં રોપાની નોંધણી કરાવી જરૂરી છે.
ચંદનનું વૃક્ષ એ ધરતી ઉપર ભગવાને આપેલ કીમતી ભેટ છે. ચંદનના લાકડાથી અંતિમ સંસ્કાર કરવાથી મનુષ્યને મોક્ષ મળે છે તેવી માન્યતા પણ છે. ચંદનનું વૈજ્ઞાનિક નામ સેન્ટેલમ આલ્બમ છે અને તે સ્થાનિક રીતે સેન્ડલ ચંદન સેન્ડલ વુડ વગેરેથી પણ ઓળખી શકાય છે. રક્ત ચંદન એ આ ચંદનથી તદ્દન અલગ પ્રકારની પ્રજાતિ છે. ચંદનના વૃક્ષમાં મધુર સુવાસ હોય છે. આ સુવાસ તેના પરિપક્વ થયેલા હાર્દવાળા લાકડા (હાર્ટવુડ) માં હોય છે. તે લાકડામાંથી છથી સાત ટકા જેટલું તેલનું પ્રમાણ પણ હોય છે.
પરોપજીવી પ્રકારનું વૃક્ષ છે ચંદન: ચંદન જમીનમાં જ ટકી શકતો નથી તેને ટકી રહેવા માટે કોઈના સમર્થનની જરૂર છે. ચંદનના મૂળ જથ્થાબંધ રીતે તેની બાજુના યજમાન વૃક્ષો સાથે જોડાઈ જાય છે અને તેને જરૂરી નાઇટ્રોજન અને ફોસ્ફરસ સાથે મળી મેળવે છે. ચંદનના પોતાના મૂળ દ્વારા કેલ્શિયમ અને પોટાશ મેળવે છે. આશરે 144 જેટલા યજમાન ચંદનના વૃક્ષ સાથે જોવા મળે છે. જેમાં ફાયદાકારક યજમાનો મુખ્યત્વે તુવેર, લીમડો, કરંજ, કાશીદ, બાવળની જાતો, શરૂ, ઇન્દ્રજવ, વડ, જાંબુડો, ખાટી આમલી વગેરે વૃક્ષોની જાતો અને માનવેલ વાંસ તેમજ કાતિસ વાંસ પણ એક સારા યજમાન તરીકે કાર્ય કરે છે. જેને સાથે રોકવાથી ચંદનના વૃક્ષના છોડનો વિકાસ ઝડપી અને સારો થાય છે પરંતુ તેમને નિયંત્રણમાં રાખવું જરૂરી છે નહીં તો તે ચંદનના વૃક્ષનો વિકાસ અટકાવી શકે છે.
ચંદનની ગેરકાયદેસર નિકાસ: હાલ ચંદનના લાકડાનું આંતરરાષ્ટ્રીય બજાર બહુ જ મોટું છે. જેમાં ભારતીય ચંદનનું તેલ અને લાકડું વિશ્વના બજારમાં ખૂબ કીમતી ગણાય છે અને ચાઇનામાં સૌથી વધુ લાલચંદનની ખપત થાય છે ઉપરાંત જાપાન અને અન્ય દેશોમાં પણ લાલચંદનની મોટી માંગો છે. દર વર્ષે માત્ર આંધ્ર પ્રદેશમાંથી 30 થી 40 હજાર કરોડનું લાલ ચંદન વિદેશોમાં ગેરકાયદેસર રીતે જાય છે આંતરરાષ્ટ્રીયમાં થતા ગેરકાયદેસર નિકાસની લઈને આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા અને રોકવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના પણ કરવામાં આવી છે. જેનું બજેટ 2000 કરોડથી વધુનું છે.