- નવસારી-વિજલપોર પાલિકાએ શહેરના રંગોળી કલાકારોના સહયોગથી યોજયુ રંગોળી પ્રદર્શન
- વડાપ્રધાનના બાળપણથી વિશ્વગુરૂ બનવા સુધીના પ્રયાસોને 15 રંગોળીમાં ઉતાર્યા
- નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ રંગોળી પ્રદર્શનને મુક્યુ ખુલ્લુ
નવસારી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસને યાદગાર બનાવવા માટે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા નમો રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે. જેમાં વડાપ્રધાનના જીવન પર આધારિત રંગોળી પ્રદર્શન યોજવામાં આવ્યુ છે.
બે દિવસની મહેનત બાદ કલાકારોએ 15 રંગોળીની બનાવી
સમગ્ર દેશ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભાજપ અને સરકાર દ્વારા પણ અનેકવિધ સેવા કાર્યો થકી વડાપ્રધાનના જન્મ દિવસને યાદગાર બનાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરના સાંઢકુવા સ્થિત સ્થાનકવાસી વાડીમાં વડાપ્રધાન મોદીના બાળપણથી લઈ તેમના વિશ્વગુરૂ બનવા સુધીના પ્રયાસોને રંગોળી થકી દર્શાવવામાં આવ્યા છે. પાલિકાએ નવસારીના રંગોળી કલાકાર અશોક લાડ અને તેમની ટીમના સહયોગથી રંગોળી પ્રદર્શન યોજ્યું છે.
![વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને યાદગાર બનાવવા ઉજવાયો નમો રંગોત્સવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13096349_9.jpg)
રંગોળી પ્રદર્શનને લોકોએ આપ્યો સારો પ્રતિસાદ
બે દિવસની મહેનત બાદ કલાકાર અશોક લાડ અને ટીમે વડાપ્રધાન મોદીના 15 ચિત્રોને રંગોળી સ્વરૂપે ઉતાર્યા છે. જેમાં વડાપ્રધાન મોદી માતા હીરાબાના આશિર્વાદ લઇ રહ્યા છે, એ પ્રસંગને રંગોળીમાં આબેહૂબ બનાવ્યો છે. નમો રંગોત્સવને આજે સવારે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ અને પાલિકા પ્રમુખ જીગીશ શાહે ખુલ્લુ મૂક્યુ હતુ. જેને નવસારીજનોએ સારો પ્રતિસાદ આપ્યો છે. જ્યારે બે દિવસ ચાલનારા રંગોળી પ્રદર્શનને મોટી સંખ્યામાં લોકો નિહાળે અને કલાકારોને પ્રોત્સાહન આપે એવી આશા કલાકારો સેવી રહ્યા છે.