નવસારી: પૂર્ણા નદીને કિનારે વસેલા નવસારીના નીચાણવાળા વિસ્તારોના રહીશોએ ચોમાસામાં વરસાદી પાણીના ભરાવા સાથે જ પુરની સ્થિતિનો પણ સામનો કરવો પડે છે. કોરોના કાળમાં શહેરના ઘણા વિસ્તારોમાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અધૂરી રહી છે. શહેરના વોર્ડ નં. 4ના રીંગ રોડ, લોખંડવાલા કોમ્પ્લેક્ષ, નવી નગરી સહિત પુરમાં સૌથી પ્રભાવિત થતા કાશીવાડી વિસ્તારમાં આવેલી વરસાદી ગટરની સફાઈ થઈ શકી નથી. સાથે જ પાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે ગટરનું સમારકામ શરૂ કર્યું હતુ. જે લોકડાઉનના કારણે અટકી પડ્યું છે. જેને લોકડાઉનમાં છૂટછાટો મળવા બાદ પણ પાલિકા શરૂ કરાવી શકી નથી.
રૂસ્તમવાડી નજીક વરસાદી કાંસના ગરનાળાના એક ભાગને લેન્ડ ડેવલપર્સ દ્વારા પુરી દેવામાં આવતા ચોમાસામાં પાણીનો ભરાવો થવાની ચિંતા સ્થાનિકો સેવી રહ્યા છે. જેથી ચોમાસુ બારણે છે, ત્યારે પાલિકા વહેલી તકે પાણીના ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે એવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.
નવસારીમાં અંદાજે 100 ઇંચ વરસાદ પડે છે, જેમાં ઉપરવાસમાં વધુ વરસાદ હોય ત્યારે પૂર્ણા રોદ્ર રૂપ ધારણ કરે છે. જેથી નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પુરની સ્થિતિ બને છે. જેમાં લોકોના ઘરોમાં પાણી ભરાવાને કારણે નુકસાની વેઠવી પડે છે. જ્યારે ઘણીવાર પાણી ઓસરતા બે-ત્રણ દિવસો થતા લોકોને ખાવાની પણ મુશ્કેલી પડતી હોય છે. વર્ષોની સમસ્યાઓમાંથી શીખવાને બદલે પાલિકા કાગળ પર જ લાખોની યોજના બનાવતી રહી હોવાના આક્ષેપો વિપક્ષે લગાવ્યા છે. જોકે પાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણતાને આરે હોવાની કેફિયત સાથે જ અધૂરા કામો શરૂ કરાવવાનું આશ્વાસન આપ્યું છે.
ચોમાસામાં સતત વરસતા વરસાદમાં શહેરના કાશીવાડી, ભેંસતખાડા, દશેરા ટેકરી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા પૂરગ્રસ્ત બને છે. ત્યારે પાલિકા પાણી આવે, એ પહેલા જ પાળ બાંધવા પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરે એવી શહેરીજનોમાં માગ ઉઠી છે.