- કોરોનાના કારણે ધાર્મિક અને સામાજિક પરંપરાઓ પર રોક લાગી
- 100 વર્ષોથી પણ જૂની ઘી-ખીચડીની પરંપરા પર રોક લાગતા નિરાશ થયો
- યુવાનોએ સીધુ ઉધરાવીને શ્વાન અને ગાયને ખવાજાવી તહેવાર ઉજવ્યો
નવસારી : કોરોના કહેરને કારણે ઘણી ધાર્મિક અને સામાજિક પરંપરાઓ પર રોક લાગી ગઈ છે. ત્યારે દૂધમાં સાંકરની જેમ ભળેલો પારસી સમાજ પણ 100 વર્ષોથી પણ જૂની ઘી-ખીચડીની પરંપરા પર રોક લાગતા નિરાશ થયો છે. જોકે, પારસી યુવાનોએ પરંપરાને સાદાઇથી ઉજવી સારા વરસાદ સાથે પૂરતા પ્રમાણમાં અનાજ પાકે એવી પ્રાર્થના વરૂણ દેવતાને કરી છે.
![ઘી-ખીચડીના તહેવારને ઉજવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-baman-roz-photo-gj10031_13062021161712_1306f_1623581232_114.jpg)
બમન મહિનાના બમન રોજના દિવસે ઘી-ખીચડીનો તહેવાર ઉજવાય
જિલ્લામાં પારસીઓની સંખ્યા વધુ છે. એક દંતકથા પ્રમાણે વર્ષો અગાઉ 1801ની સાલમાં દુકાળ પડતાં માણસો સાથે જાનવરોને પણ ખાવાની તંગી પડી હતી. ત્યારે પારસીઓએ ભગવાન પાસે માનતા રાખી હતી કે, સારો વરસાદ થાય તો, તેઓ ઘરે-ઘરે જઈ અનાજ ઉઘરાવશે અને તેને શ્વાન અને ઢોરને ખવડાવશે. પારસીઓની પ્રાર્થના ભગવાને સાંભળી અને વરસાદ વરસ્યો અને એ વર્ષે પાક પણ સારો થયો. ત્યારથી દૂધમાં સાંકરની જેમ ભળેલો પારસી સમાજ બમન મહિનાના બમન રોજના દિવસે ઘી-ખીચડીનો તહેવાર ઉજવે છે.
![ઘી-ખીચડીના તહેવારને ઉજવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-baman-roz-photo-gj10031_13062021161712_1306f_1623581232_632.jpg)
આ પણ વાંચો : પારસી પંચાયતને બદનામ કરવા સોશિયલ મીડિયામાં બોગસ લેટર વાયરલ કરનાર ઝડપાયો
ખીચડી શ્વાન અને ગાયોને ખવડાવી વરૂણ દેવતાને સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી
પારસી યુવાનો પારસીઓના ઘરે ફરી-ફરીને ખીચડી માટેનું સીધુ ધરાવે છે. તેઓ પારસી ગીત પણ ગાતા જાય છે. જોકે, કોરોના કાળમાં વરૂણ દેવતાને રાજી કરનારા પારસીઓની ઘી-ખીચડીનો પરંપરાગત તહેવાર અટવાઈ પડ્યો છે. બે વર્ષોથી પારસી યુવાનો કોરોનાની ગાઈડલાઈનના કારણે ખીચડી માટે દાળ, ચોખા, તેલ જેવું સીધુ પારસીઓના ઘરેથી ઉઘરાવી શકતા નથી. પરંતુ પરંપરાને જાળવી રાખવા આજે પણ પારસી યુવાનોએ જાતે જ સીધુ ભેગુ કરી, તેની ખીચડી બનાવડાવી શ્વાન અને ગાયોને ખવડાવી વરૂણ દેવતાને સારા વરસાદ સાથે દરેક જીવને ખાવા માટે અન્ન મળી રહે એવી પ્રાર્થના કરી હતી.
![ઘી-ખીચડીના તહેવારને ઉજવાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-baman-roz-photo-gj10031_13062021161712_1306f_1623581232_749.jpg)
બમન અક્ષપન્યાગ એટલે પ્રાણીઓના દેવતા
નવસારીના પારસી ઇતિહાસકાર કેરસી દેબુએ જણાવ્યુ હતું કે, પારસીઓમાં વર્ષના બાર મહિનાના જુદા-જુદા નામો છે. અને મહિનાના 30 દિવસના પણ અલગ-અલગ નામ છે. હાલમાં બમન મહિનો ચાલે છે અને બમન અક્ષપન્યાગ એટલે પ્રાણીઓના દેવતા. બમન મહિના દરમિયાન પારસીઓ માંસાહાર કરતા નથી. આજનો પર્વ બમન મહિનો અને બમન રોજના રોજ ઘી-ખીચડીનો પર્વ મનાવવામાં આવે છે.
![ઘી-ખીચડીના તહેવાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-baman-roz-photo-gj10031_13062021161712_1306f_1623581232_240.jpg)
આ પણ વાંચો : કોરોનાને કારણે ઇતિહાસમાં સૌપ્રથમવાર પારસી સમાજે બદલી અંતિમવિધીની પરંપરા
યુવાનો ખીચડી બનાવડાવી પ્રાણીઓને ખવડાવી
પારસીઓ આ પર્વ વરસાદને વધાવવા માટે મનાવે છે. વર્ષો અગાઉ દુકાળ સમયે બમન મહિના અને બમન રોજના દિવસે લીધેલી માનતાની પરંપરાને પારસીઓ આજે પણ પાળી રહ્યા છે. કોરોના કાળમાં ભેગા થવા અને સમૂહભોજન પર રોક છે. ત્યારે યુવાનો ખીચડી બનાવડાવી પ્રાણીઓને ખવડાવી સારો વરસાદ અને પૂરતા પ્રમાણમાં અનાજ પાકે એની પ્રાર્થના કરી પરંપરાને જાળવી રહ્યા છે.