નવસારી: બાઇક ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશની ટોળકીના ત્રણ લોકોને પોલીસે મરોલી પાસે આવેલા સુંદર ગામના પાટીયા પાસેથી ચોરીના ઇરાદે ફરતા ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછમાં નવસારી ગ્રામ્ય જલાલપુર, ગણદેવી, મરોલી તેમજ સુરતના સરથાણા પોલીસ મથક વિસ્તારમાંથી સાત બાઇક ચોરીનો ભેદ ખુલ્યો છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી ચાર બાઇક ચોરીની કબજે લેવામાં આવી છે. પોલીસે બાઈક સહિત મોબાઈલ મળી કુલ 2.70 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. જ્યારે ચોરીના એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
નંબર વગરની કાળા કલરની મોટરસાયકલ પર ફરી રહ્યા હતા: નવસારી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે વાહનોની ચોરીમાં સંડોવાયેલા ત્રણ ઈસમો વેજલપુર વિસ્તારમાં રહે છે અને આજે મરોલી વિસ્તારમાં વાહન ચોરી કરવા માટે નંબર વગરની કાળા કલરની યુનિકોન મોટરસાયકલ પર ફરી રહ્યા છે. આ બાતમીને આધારે નવસારી LCB પોલીસ જવાનોએ આસુંદર પાટીયા પાસે વોચ ગોઠવી બાતમી વાળી યુનિકોન મોટરસાયકલને રોકતા મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં જલાલપુર તેમજ વેજલપુર ખાતે રહેતા મુકેશભાઈ વેરલાભાઈ સસત્યા, અજય રુસ્તમ ગોવલે તેમજ રૂમા નાનસિંગ ગોવલેને ઝડપી પાડી કડક પૂછપરછ કરતા તેઓએ મરોલી જલાલપુર ગણદેવી નવસારી ગ્રામ્ય તેમજ સુરતના સરથાણા ખાતેથી કુલ સાત જેટલી મોટરસાયકલ ચોરી હોવાની કબુલાત કરી હતી. જે પૈકી એલસીબી પોલીસ દ્વારા કુલ ચાર મોટર સાયકલો કબજે કરી આ ત્રણ ચોર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી: સમગ્ર મામલે નાયબ પોલીસ અધિક્ષક એસ.કે રાય જોડે વાત કરતા જણાવ્યું હતું કે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી જેમાં મધ્યપ્રદેશના ત્રણ ઇસમો વાહન ચોરી કરવાના ફિરાકમાં મરોલીના આ સુંદર પાટીયા પાસે આવવાના હોય પોલીસે તેમને ઝડપી તેની પૂછપરછ કરતા જેઓએ સાત વાહન ચોરી કર્યા હોવાનું જણાવ્યું હતું જેમાં વધુ તપાસ કરતા કુલ ચાર મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ બે લાખ 70 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે હાલ આરોપીની રિમાન્ડ પર ની કાર્યવાહી ચાલુ છે.